________________
૨૪૧
અનુભવ ૨સ કહેવાય છે.
પંચાસ્તિકાયમાં કહ્યું છે, समवाओ पंचणहं समउत्ति जिणुचमेंहि पण्णतं। सो चेव हवदि लोओ, तत्तो अभिओ अलोओ एवं ।।
પંચાસ્તિકાયનો સમૂહ તે સમય છે. આ રીતે સર્વજ્ઞ વીતરાગદેવે કહ્યું છે અને જ્યાં પંચાસ્તિકાયનો સમૂહ છે તે લોક છે. જ્યાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય અને કાળ આ છ દ્રવ્યોનું અસ્તિત્વ હોય, જ્યાં ચાર ગતિ, પાંચ જાતિ, સિદ્ધ અને સંસારી અવસ્થાઓ હોય તેને લોક કહેવાય છે.
આ લોકમાં પાંચ અજીવ અને એક જીવ વગેરે પદાર્થો છે. તેમાંથી શુદ્ધચેતનાને ચેતનદ્રવ્ય સિવાય બીજા એક પણ ગમતા નથી કારણ કે હવે તેનું મન તે બધાથી ખાટું થઈ ગયું છે. એક વાત તો નિર્વિવાદ છે કે જ્યાં રાગ હોય ત્યાં દ્વેષ તો હોય જ છે પણ ચેતનનો મૂળ સ્વભાવ રાગ-દ્વેષ રહિતની દશા વીતરાગ અવસ્થા. આ વીતરાગભાવમાં સ્થિર થવું એ જે સંસારની ચરમસીમા છે એટલે શુદ્ધ ચેતનાને ચેતન પ્રત્યે પ્રેમ છે. તેથી અન્ય લોકો તેને ખાટા લાગે તે સ્વાભાવિક છે.
વળી સ્ત્રીનો સ્વભાવ છે કે પોતાને જે વાત કરવી હોય તે પતિને જ કરે. પતિને વાત કરવામાં જેટલો આનંદ અનુભવે છે તેવો આનંદ અન્ય સાથે થતો નથી. તેથી કવિ કહે છે કે અન્ય સાથે વાત કરવી એ તો અરણ્યમાં રુદન કરવા જેવું છે. ત્યાં રુદન કોણ સાંભળે? કોણ આશ્વાસન આપે? તેથી પતિ સાથે વાત કરતાં આનંદરસ ફેલાય ને મનની બધી ભાંજગડ ભાંગી જાય છે. વળી મનનાં બધાં મનોરથો પૂર્ણ થાય છે. તેથી જ ચેતનાને ચેતન સાથે વાત કરવી અધિક પ્રિય લાગે છે. માટે જ ચેતના કહે છે કે મને મારા સ્વામી સિવાય બીજા શેમાંય રસ નથી. તેના વિના ક્યાંય ગમતું નથી.
કવિએ આ પદમાં ઘણી ગૂઢ વાત કરી છે. જેમાં ચૈતન્ય લક્ષણ હોય તે ચેતન. જે સર્વ દ્રવ્યોથી જુદો છે. પ્રત્યેક દ્રવ્ય સ્વ સ્વરૂપે સ્વતંત્ર છે. કોઈ કોઈનો અંશ નથી એ પ્રત્યેક આત્મવાદ છે. દરેક શરીરે પૃથક પૃથક્ આત્મા છે. કોઈ સર્વ વ્યાપી આત્માનો અંશ નથી પણ પ્રત્યેક વ્યકિત છે.