________________
૨૩૩
અનુભવ રસ ચેતનારૂપ ચકોરી આનંદઘન એવા ચંદ્રને જોઈ અત્યંત હર્ષઘેલી બની આનંદમગ્ન બની જાય છે. પુરાણની વાત છે કે દેવોએ સમુદ્રમંથન કર્યું હતું. ત્યારે તેમાંથી ચૌદ રત્નો નીકળ્યાં હતાં તેમાં એક ચંદ્ર પણ હતો અને અમૃત પણ નીકળ્યું હતું. પછી પ્રશ્ન થાય છે કે અમૃત કોને આપવું? તુરંત ચંદ્ર હાજર થયો અને ચંદ્રને અમૃત આપી દીધું. ચંદ્ર અમૃત આરોગી ગયો અને અમર બની ગયો. ચંદ્ર અમૃતપાન કર્યું હોવાથી તેમાંથી હંમેશાં અમૃત ઝરતું રહે છે. ચંદ્રની ચાંદની સર્વજનપ્રિય છે.
કવિએ આનંદઘન એવા પ્રભુને ચંદ્ર તરીકે વર્ણવ્યા છે. શુદ્ધ ચેતનાને ચકોરી કહી છે. ચેતનરૂપ ચંદ્રને જોઈ શુદ્ધચેતનાની દૃષ્ટિરૂપ ચકોરી પ્રેમરસ પાન કરી હર્ષઘેલી બની જાય છે. તેમજ શુદ્ધચેતના આત્મપતિના સ્વરૂપને નિહાળે છે અને કર્મની નિર્જરા કરે છે. શુદ્ધ ચેતના ચંદ્રસ્વરૂપ આત્માને ચકોરીની દૃષ્ટિથી નિહાળે છે અને આનંદ પામી પ્રફુલ્લિત થાય છે.
આત્મા જ્યારે સર્વ પદાર્થો પરથી પોતાનો ઉપયોગ હટાવી સ્વનો ઉપયોગ સ્વમાં જોડી દે છે ત્યારે નટનાગરના ખેલ સમાપ્ત થઈ જાય છે. આત્મા આત્મામાં જોડાઈ, ચેતન જેમ જેમ ઊપયોગની સ્થિરતા સાધતો જાય છે તેમ તેમ આત્મવિશુદ્ધિ થતાં ગુણસ્થાનકનું આરોહણ કરતો જાય છે.
- કવિ આનંદઘનજી મહારાજે આ પદમાં પોતાની અનુભૂતિના ઉલ્લાસને ચેતનાની ઉક્તિ તરીકે અભિવ્યક્ત કર્યો છે. આવી અનુભૂતિવાળી વ્યક્તિઓને લોકવ્યવહારની સમજ ક્યારેક ઓછી પડે છે તો બીજી બાજુ લોકોની નિંદા-ટીકાની પણ એમને કોઈ પરવા હોતી નથી કારણકે તેઓ તો પોતાની ધૂનમાં જ મસ્ત હોય છે.
કવિને પોતાને જે સ્વરૂપ પ્રાપ્તિ થઈ છે તેમાં જ આગળ વધવાના પોતાના દેઢ નિશ્ચયને જાહેર કરી દીધો છે. કવિનો આત્મવિશ્વાસ કેટલો દૃઢ છે એની પ્રતીતિ આ પદ કરાવે છે.