________________
૨૨૯
અનુભવ રસ સ્થિતિ જોતાં લાગે છે કે દુનિયા સાથે મારો હવે મેળ જામશે નહીં કારણકે દુનિયાનો પ્રેમ જડ પદાર્થો સાથે છે. તેઓ તો કૃત્રિમતામાં રચ્યા-પચ્યા છે ત્યારે મને તો વાસ્તવિકતાનો રંગ લાગ્યો છે અને સતની લગની લાગી છે. જેને લોકો ઇષ્ટ ગણે છે તેને હું અનિષ્ટ ગણું છું. માટે જ મારો દુનિયા સાથે મેળ જામશે નહીં તેથી આવું પરસ્પર વિરુદ્ધનું કાર્ય છોડી મેં તો સર્વસંગ પરિત્યાગ કરી, મારા આત્મસ્વામી સાથે પ્રીત જોડી છે.
ચેતના કહે છે કે, મારા આ પ્રકારના વર્તન પર દુનિયા મારા પર હસશે તેમજ ઈચ્છાનુસાર બોલશે. અરે! મહેણાં મારી મને મૂર્ખ પણ કહેશે. ભલે જેને જેમ કહેવું હોય તેમ કહે પણ હું મારા માર્ગથી હટવાની નથી. દુનિયા તો પારકી પંચાત કરવામાં શૂરવીર છે. તેઓ તો પૂરી જિંદગી તેમાં જ ખર્ચી નાખે છે તેથી મારે કોઈ નિસ્બત નથી. સારી સ્ત્રીઓ નાટક્યા ઉપર પ્રેમ કરે નહીં પણ કોઈ વખત નાટકિયાને ચાહતા પરિણામ સારું જ આવે છે.
ઈલાયચીકુમારે નટડીને પ્રેમ કર્યો અને તેને મેળવવા લોકલાજ કુળમર્યાદા બધું છોડી દીધું. નટડી સાથે નટ બનીને નાચ્યો પણ પરિણામ ત્યાગરૂપ આવ્યું, વાસના અગ્રભાગ નાચતાં કેવળજ્ઞાન લંઈ - લોકાગ્રે પહોંચવાની પૂર્ણ તૈયારી કરી લીધી. આમ, ધર્મસંન્યાસ લેવાની ચેતનની ઈચ્છા થાય તો શુદ્ધ ચેતના અને ચેતનનો સંયોગ થવાનો પ્રસંગ પ્રાપ્ત થાય.
ભર્તુહરિએ સંસારત્યાગ કરી સંન્યાસ લીધો અને નદી કિનારે રેતનું ઓશીકું કરીને સૂતાં હતાં ત્યાં રસ્તે જતી પનિહારીઓ કહે છે જોયું! રાજ્ય છોડયું પણ રાજાની ટેવ થોડી છોડી છે? સુવિધા બધી જ જોઈએ છે. તેણે રૂના તકિયા તો છોડ્યા તો રેતીના તકિયા સ્વીકાર્યા. આ સાંભળી ભર્તુહરિએ રેતીના ઢગલાને પહોળો કરી નાખ્યો ને સૂતા રહ્યા. ત્યાં પાણી ભરીને પાછી ફરતી સ્ત્રીઓ જુએ છે ને કહે છે કે જોયું! ભગવાં વસ્ત્ર પહેર્યા છે. સંસાર છોડ્યો છે પણ ક્રોધ થોડો છોડ્યો છે. એક જરાક ગાદીતકિયાનું આપણે બોલ્યા ત્યાં તો રીસ ચડી ગઈ. એટલા માટે જ ચેતના કહે છે કે દુનિયા, દુનિયાની રીતે જ ચાલે છે. તેના બોલવા સામું જોતા કોઈ કાર્ય ન થાય માટે જ લોકલાજ છોડી હું તો નટ-નાગરને ચાહું છું. શુદ્ધ ચેતના કહે છે,