________________
૨૧૭
અનુભવ ૨સ
પતિપરાયણ સ્ત્રીને પતિ વિયોગે ઊંઘ આવતી નથી તેમ વિભાવદશામાં ૨ત જીવને યોગનિદ્રા આવતી નથી કારણકે વિભાવદશામાં ત્રણેય યોગનું અશુભ પ્રવર્તન ચાલતું હોય છે. ત્યારે યોગનિદ્રામાં ત્રણેય યોગની અશુભ પ્રવૃત્તિ અટકાવી બાહ્યદશામાંથી અંતરદશામાં જીવ આવે ત્યારે યોગનિદ્રા લઈ શકે છે. સંસારભાવમાં રચ્યોપચ્યો જીવ યોગનિંદ્રા તો શું તેનો ભાસ પણ પામી શકતો નથી. સ્વ તરફ દૃષ્ટિ કરતાં બાહ્યમાં ઊંઘ આવે છે અને અંત૨માં જાગૃતદશા પ્રગટે છે.
નીચો શ્વાસ શોકથી, ક્રોધથી અને અસ્થિરતાથી આવે છે. વિભાવદશામાં વર્તતો જીવ નીચ પરિણતિરૂપ નિસાસા મૂકયા કરે છે. પણ ઉચ્ચ પરિણતિરૂપ ઉચ્છવાસ લેતો નથી એટલે કે વિશુદ્ધતર જીવનની અપેક્ષાએ સર્વ નિસાસા જ છે.
આ પદમાં સુમતિના સ્ત્રીસહજ સ્વભાવનાં દર્શન થાય છે. જ્યારે સ્ત્રી કંટાળી જાય છે ત્યારે તે બોલી ઉઠે છે કે આના કરતાં તે હું મરી જાઉં તો સારું. આ અતિ પ્રેમની નિશાનીના શબ્દો છે.
હવે શ્રદ્ધા, ચેતનને કહે છે કે હે ચેતનજી ! તારા ઉ૫૨ અત્યંત પ્રેમ રાખનારી એક સાધ્વી જેવી તારી પત્ની તારા મંદિરેથી નીકળી જશે. તો તારે ભભૂતિ લગાવવાનો વખત આવશે. તું રાખમાં રગદોળાઇશ માટે કંઇક વિચાર કર. સુમતિ સતી છે. તું જો સ્વમંદિરે આવ તો નિરંતર તારા દુઃખનો છેડો આવી જશે. સર્વ ચિંતાથી મુક્ત બની જઈશ. સુમતિ કહે છે કે જો ચેતન સમજી જાય તો અમે બંને વિજન પ્રદેશમાં સાદિ-અનંત અવ્યાબાધ સુખ ભોગવશે.
આ પદમાં વિરહિણી સ્ત્રીની દશા અને તેના મનોભાવનું આબેહૂબ વર્ણન કર્યું છે. આનંધનજીએ દર્શાવેલ વિચારો પ્રૌઢ છે. પદનો ભાવ હૃદયને સ્પર્શી જાય એવો છે. વાચકને ગંભીર ભાવોથી ભરી દે છે તેમજ અધ્યાત્મના વિશાળ પ્રદેશમાં વિચરણ કરાવી મનને આનંદથી ભરી દે છે.
*