________________
૧૯૧
અનુભવ રસ
સ્થૂલિભદ્રજી બાર વરસ સુધી રૂપકોશાના રંગમહેલમાં રહ્યા અને તેમણે પોતાના ઘર કે પરિવાર સામું પણ ન જોયું તેમ તમે પણ મમતારાણીના સંગે રમતા પારકાના થઈ ગયા અને પોતાનાને પારકા માનવા લાગ્યા. જેમકે ક્ષમાદિ દસ યતિધર્મ તે આત્મીયજન છે તેને તો આપ ભૂલી જ ગયા છો. હે નાથ ! આપ મારી સામું તો નથી જોતા પણ આ આપના પરિવારે શો ગુન્હો કર્યો છે કે જેથી તેની પણ સંભાળ લેતા નથી. સંસારના આટલા કડવા અનુભવો થયા છે છતાં આંખ કેમ ઉઘડતી નથી ? બીજી તરફ વૃત્તિ કેમ વળતી નથી ?
શ્રી બુદ્ધિસાગરજી લખે છે કે સંસાર ચાર પ્રકારનો છે. (૧) નામ (૨) સ્થાપના ( ૩ ) દ્રવ્ય (૪) ભાવ. આમ ચાર પ્રકારના ચારગતિરૂપ સંસારમાં જીવો આડાઅવળા પરિભ્રમણ કરે છે પરંતુ એક સ્થાનમાં ઠરીને સહજ સુખ પામતા નથી.
સંસારમાર્ગમાં ચાર કષાય, ત્રણ દંડ, બે અશુભધ્યાન, અશુભલેશ્યા વગેરે અનેક રસ્તા છે. આ રસ્તે જતાં આત્મપરિણતિ અશુદ્ધતાને વરે છે. માટે કે ચેતન ! હવે તો અશુદ્ધ પરિણતિનો ત્યાગ કરી શુદ્ધ ધર્મરૂપ ઘરમાં પધારો. કવિ બીજી કડીમાં કહે છે,
उत माया काया कबन जात, यहु जड तुम चेतन जग विख्यात । उत करम भरम विषवेली संग, इत परम नरम मति मेलि रंग ।।
કે ચેતન ! વિભાવદશામાં જવાથી સંસારનું પરિભ્રમણ કદી પણ ઘટવાનું નથી. સંસારમાં માયા, મમતા, શરીર તથા તેના ભોગની જ વાતો કાને પડયા કરશે અને ભોગપ્રાપ્તિ માટે છળકપટ કરી, આત્મવંચના કરવી પડશે. આ રીતે શરીર સુશ્રુષા કરવી તે વિભાવ દશાનું કારણ છે.
તમે જે માયામમતાને સ્ત્રી માનો છો તે કઈ જાતની છે, તેની તમને ખબર છે ? તે સાવ ફુલકા કુળની તથા હલકી જાતિની છે. સંસારમાં દીકરા-દીકરીના લગ્ન કરવા હોય તો ખાનદાની જોવામાં આવે છે. કુળવાન પોતાની ખાનદાની કદી પણ છોડે નહીં અને હલકા કુળની સ્ત્રીને હલકા કામ કરવામાં શરમ આવે નહીં. આ માયા અને મમતા તો હલકાકુળની સ્ત્રીઓ છે. તે જડ જેવી છે. તેની મતિ પણ જડ છે. તેનો પરિવાર જડ છે, ત્યારે નાથ ! તમે તો જગત પ્રસિદ્ધ ચૈતન્યધન ચેતનરાજા છો. તમારો ધર્મ