________________
અનુભવ રસ
૧૮૨ થાય છે તેમાં સર્વપ્રથમ અનંત જ્ઞાનગુણ પ્રગટે છે જેથી સંપૂર્ણ જાણવાનું કાર્ય થાય છે અને અનંતદર્શન પ્રગટતા પદાર્થનું વાસ્તવિક દર્શન થાય છે. ચારિત્રગુણની નિર્મળતા થતાં સ્વગુણમાં સ્થિરતા આવે છે. વીર્યગુણરૂપે અનંતશક્તિ પ્રગટ થાય છે. આ પ્રકારે સ્વભાવમાં સ્થિરતા થતાં જે આનંદ અનુભવાય છે એ જ મારો સહજાનંદ છે. એટલે મારું નામ પદાર્થરૂપ નથી. મારું નામ ભલે ગમે તે આપો પણ હું તો સચ્ચિદાનંદ સ્વરૂપ છું. મારી આ સ્થિતિ ત્રિકાળાબાધિત છે. હું એક જ સ્વરૂપે હંમેશાં રહું છું. જે આનંદ સ્વરૂપ ચૈતન્યમૂર્તિની સેવા કરે છે તેને જગતના મુમુક્ષુ આત્માઓ બલિહારી જાય છે, તેનાં ઓવારણાં લે છે.
સંસારમાં જીવની જે સ્થિતિ છે તે કર્માવૃત ચેતનની છે. શ્રી આનંદઘનજી મહારાજે આ પદમાં દ્રવ્યદૃષ્ટિની વાત કરી છે. પર્યાય તો ક્ષણિક છે. પર્યાયને પકડતાં શુદ્ધ આત્મતત્ત્વને પકડી શકાય નહિ. દ્રવ્યદૃષ્ટિ આત્મા સત્ય સ્વરૂપને જાહેર કરે છે. જેમ પાણીમાં પડતાં ચંદ્ર પ્રતિબિંબને પકડવા પ્રયત્ન કરવો એ વ્યર્થ છે અથવા શિલા પર વાવેતર કરવું વ્યર્થ છે તેમ જેવું આત્માનું સ્વરૂપ નથી તેવું કલ્પવું તે પણ નરી અજ્ઞાનતા મૂઢતા નહિ તો બીજું શું કહી શકાય?
આત્માને બાહ્યદૃષ્ટિથી ઓળખવો, ભિન્ન-ભિન્ન નામ આપવા જે જડભાવ છે. કવિએ આ કડીમાં આત્માની મૂળસ્થિતિની વાત કરી છે. આ પદમાં કવિએ આત્મા પાસે જ સંભાષણ કરાવ્યું છે ને કહ્યું છે કે જ્ઞાન દર્શન સ્વરૂપ હું છું. ચાર કડીના આ પદમાં ગહન ગંભીર એવા સિદ્ધ સ્વરૂપી શુદ્ધાત્માનો પરિચય પરસ્પર વિરૂદ્ધ એવા કેટલાંક ગુણધર્મોનો નિષેધ કરીને કરાવ્યો છે. આત્મ સ્વરૂપની ઝાંખી કરાવતું આ એક ઉત્તમ પદ છે.