________________
૧૬૯
અનુભવ રસ ટબાકાર “અનુભવપિપાસા' એવો છેલ્લી પંકિતનો પાઠ લઈને કહે છે, આશાદાસી જેને પોતાનો સ્વામી બનાવે તે અનુભવરસનો પિપાસુ એટલે તૃષાવંત – તરસ્યો છે. કહેવાનો આશય છે કે જે આશાના દાસ બને કે પતિ બને પણ આખર તો આશા રખડાવે છે એટલે તેની સાથેનો સંબંધ કોઈપણ રીતે યોગ્ય નથી.
આજ રીતે ત્રીજી અને ચોથી પંક્તિનો અર્થ પણ જુદી રીતે પણ કરવામાં આવે છે. શ્રી મોતીચંદ કાપડિયા કહે છે, “જે આત્મા આશાનો દાસ ન બનતાં સ્વરૂપની સિદ્ધિ માટે યોગ્ય કાર્યોમાં ઈચ્છાનો પ્રયાસ કરે તો તે અનુભવને લાયક થાય છે. આ અર્થ કરવામાં જે નાયક આશા દાસી કરે એમ પદચ્છેદ કરતાં અર્થ સુંદર નીકળે છે.
પસેલા અર્થમાં આશા ચેતનને નાયક બનાવે છે ત્યારે બીજા અર્થમાં ચેતન આશાને દાસી બનાવે છે આમ જોતાં ચેતનનું નાયક પણું સિદ્ધ થાય છે. ભૌતિક જગત તરફ દૃષ્ટિ કરતાં અનુભવીઓ કહે છે, આશાનો પાર પામવા અને એનું સ્વામીત્વ ભોગવવું ઘણું દુષ્કર છે.
શ્રી ભતૃહરિએ આશાને નદી સાથે સરખાવી છે. તેમણે કહ્યું છે, આ આશા-નદીમાં મનોરથરૂપી જળ છે. અનેક ઈચ્છાઓના તરંગો એ જળમાં આવ્યા કરે છે. કોઈ વખત તૃષ્ણાનાં મોજાં આવે છે તેમાં રાગરૂપી મગરમચ્છ છે જે માનવ પ્રાણીનું ભક્ષણ કરે છે. નદી ઉપર જેમ પક્ષીઓ ઉડ્યા કરે છે તેમ વિર્તક રૂપી પક્ષીઓ આકાશમાં ઊડે છે અને નદી કિનારે બેસે છે. જેને કારણે અસ્તવ્યસ્ત વિચારોનું ઉડ્ડયન થયા કરે છે. નદીમાં પૂર આવે ત્યારે કાંઠા પરનાં વૃક્ષો નાશ પામે છે તેમ આ આશારૂપ નદીમાં મનોરથજળનું પુર આવે છે અને ધૈર્યરૂપી વૃક્ષોને ઉખેડી ખેંચી જાય છે. નદીમાં જેમ જેમ વમળ થાય છે તેમ આશા નદીમાં મોહનાં ભયંકર આવર્ત આવે છે જે આવર્ત હોશિયાર તરવૈયાને પણ ખેંચી જાય છે. આશારૂપ નદી વિશાળ તથા ઊંડી પણ ઘણી જ છે. યોગીશ્વરો જ આ નદીને પાર કરી નિજાનંદની મસ્તી માણે છે. તેઓએ આશારૂપી રાક્ષસીને નાથી લીધી છે. તેથી તેવા પુરુષો જગતના નાથ કહેવાય છે. આશારૂપી રાક્ષસીનો નાશ કરવાનો સુંદર ઉપાય શ્રી કવિ બીજા એક કાવ્યમાં બતાવે છે.