________________
૧૪૫
અનુભવ રસ જ્ઞાયક તેને પોતાના સ્વભાવનુસાર જાણવાનું કામ કરે છે પણ વાસ્તવિક દૃષ્ટિ ખુલતાં ચેતન સ્વયં જાણી શકે છે કે હું પોતે જ શેય છું પર પદાર્થને જોતાં જોતાં ચેતનને પોતાના સ્વરૂપનું દર્શન થાય છે. એટલે કે હું શેય છું. મારો જ્ઞાયક સ્વભાવ છે. હું મને જાણું, હું મને જોઉં, હું મને પામું.
આવો જ્ઞાયકભાવ જ્યારે પુષ્ટ બને છે ત્યારે ચેતન ચેતનાનો મેળ જામે છે એટલે ચેતના કહે છે કે હું પતિવ્રતા સ્ત્રી ચેતનારાણી છું, હું પર પદાર્થ સાથે કેલિ ન કરું. “મન વિના મળવું ને ભીંત સાથે ભળવું” એ રીતે જ્યાં પ્રેમ ન હોય ત્યાં સંબંધો લાંબો સમય ટકી શકતા નથી. ચેતન સાથે તેનો જ્ઞાનસ્વભાવ મળે ત્યારે જ રમત રમવાનો આનંદ આવે. વિભાવદશા સાથે ચેતન રમે તે કોઈપણ રીતે ઉચિત ન ગણાય. કોઈ મૂર્ખ એવી રમત રમે તો એ રેતીના કોળિયા ભરાય નહીં, અને તેનાથી પેટ ભરાય નહીં, તેનો સ્વાદ પણ હોય નહીં માટે જ કવિ કહે છે કે હે ચેતન! તે અનાદિકાળથી રેતીના કોળિયા ભર્યા છે. તેથી તને આનંદ આવતો નથી અને ક્યાંય ઠરીને ઠામ બેસતો નથી. તું તારા સ્વભાવને પ્રગટ કર. શુદ્ધચેતનામાં સહજ આનંદનો દરિયો વિલસી રહ્યો છે. શુદ્ધચેતનામાં અનંતજ્ઞાન, દર્શન, સુખ અને વીર્યરૂપી ઋદ્ધિ વિલસી રહી છે.
ચેતના ચેતન સિવાય અન્ય કોઈપણ સાથે રમવા તૈયાર નથી. તેનાં રોમરોમમાં ચેતનનું સ્થાન છે. તેથી કહે છે કે મારો ચેતનનાથ મારા મનનો મિલાપી છે. તેથી જ હું તેનું વારંવાર સ્મરણ કરું છું. શ્રી બુદ્ધિસાગરજી મહારાજ લખે છે,
મન મળતાં મેળો કહ્યો, મેળા બીજા ફોક, મન મળ્યા વિણ બોલવું- રણમાં જેવી પોક. મન મળ્યા વિણ પ્રેમ નહિ, મન મેળા મુશ્કેલ,
બુદ્ધિસાગર જાણવું અનુ ભવીને સહેલ જેની સાથે મન મળી જાય છે તેની સાથે સત્ય પ્રેમ જોડાઈ જાય છે. આવો પ્રેમ તો જેણે અનુભવ્યો હોય તે જ તેને જાણી શકે. તેનો રંગ કોઈ અનેરો જ હોય છે. બાહ્ય પ્રેમમાં પ્રદર્શન હોય પણ વાસ્તવિક પ્રેમમાં સ્વદર્શન હોય, બાહ્ય પ્રેમમાં આડંબર હોય પણ વાસ્તવિક પ્રેમમાં સહજતા હોય, બાહ્ય પ્રેમમાં હૃદય કોરું હોય છે ત્યારે સાચા પ્રેમમાં હૃદય ભીંજાય છે.