________________
અનુભવ રસ
૧૩૬ વિના દીપક હોય નહીં અને દીપક વગર પ્રકાશ ન હોય આ રીતે બંનેનો અવિનાભાવ સંબંધ છે.
અનાદિ સંસારમાં ભટકતા આત્માને કર્મની મલિનતાને કારણે જન્મમરણરૂપ ક્રિયાઓ કરવાની રહે છે અને તે ક્રિયાના પરિપાક સ્વરૂપ કર્મફળ ભોગવવાં અનેક ગતિ યોનિઓમાં પરિભ્રમણ કરવું પડે છે.
આત્મા મૂળ શુદ્ધ સ્વરૂપે અરૂપી હોવા છતાં, કર્મ અપેક્ષાએ રૂપી છે. આત્મા અદષ્ટ હોવા છતાં તેની જાણવા-જોવાની શક્તિ શરીર દ્વારા દેશ્ય હોવાથી તેને વ્યવહારનયથી રૂપી કહી શકાય છે. માટે શરીર સાપેક્ષ આત્મા રૂપી છે અને કર્માધારિત જન્મ – મરણ થયા કરે છે. જ્યાં કર્મ છે ત્યાં જન્મ-મરણ અવશ્ય છે જ. તેથી જન્મ વિના મૃત્યુ સંભવી શકતું નથી અને મૃત્યુ વિના જન્મ પણ થઈ શકતો નથી. છતાં પણ એક વાત છે કે અરિહંત પરમાત્માને તથા કેવલી ભગવંતોને મૃત્યુ હોવા છતાં તેમનો પુર્નજન્મ નથી કારણ કે ચરમશરીરધારીઓને કર્માભાવે મૃત્યુ પછી જન્મ હોઈ શકે નહીં વળી જન્મમરણની ક્રિયા કર્મસાપેક્ષ છે. કર્મરૂપી ગ્રહણથી મુકાયેલ આત્માને કદી પણ સંસાર સંભવે નહીં.
અમુક જીવનો જન્મ થયો તે આગામીભવના મૃત્યુનું સૂચક છે. જન્મ પહેલાં જો મૃત્યુ ન હોય તો જીવ આવ્યો ક્યાંથી? શા માટે આવ્યો? કોની પ્રેરણાથી આવ્યો? વળી જીવ, અમુક જ સ્થાને જન્મ પામે છે અને આયુષ્ય પૂર્ણ થતાં એક ક્ષણ પણ રહી શકતો નથી. તેનું શું કારણ? વગેરે ઘણા પ્રશ્નોત્તર થાય પણ તેના જવાબ રૂપે કર્મોદય જ છે. - જેમ જન્મમરણનો સંબંધ છે. તેમ કવિએ દીપક અને પ્રકાશનો સંબંધ બતાવ્યો છે. દીપક છે તો પ્રકાશ પણ છે એટલે કે જ્યાં જ્યાં દીપક છે ત્યાં ત્યાં પ્રકાશ છે જ, પણ જ્યાં જ્યાં પ્રકાશ હોય ત્યાં દીપક હોય પણ અને ન પણ હોય. જેમ કે હીરા, રત્ન, મણિ, સૂર્ય-ચંદ્ર, તારા વગેરેનો પ્રકાશ હોય છે પણ દીપક નથી છતાં કવિએ દીપકનું ઉદાહરણ લીધું છે કારણકે દીપક પ્રકાશ માટે પ્રસિદ્ધ છે. તેવી રીતે જીવ અને કર્મનો સંબંધ છે. સાપેક્ષવાદ સમજાવવા કવિએ ભિન્ન ભિન્ન ઉદાહરણો આપ્યા છે. કવિ આગળની કડીમાં કહે છે,