________________
૧૨૧
અનુભવ રસ શ્રી મોતીચંદ કાપડિયા લખે છે, પ્રતીત.... વિશ્વાસ, વિચારણાપૂર્વકના જ્ઞાન સાથે તીર્થંકર પરમાત્માએ જે હકીકત બતાવી છે તે સત્ય છે. એવી અડગ શ્રદ્ધાને, આસ્થાનું પ્રતીત કહેવામાં આવે છે. પ્રતીતિપૂર્વકની શ્રદ્ધા કદી પણ ઓછી થતી નથી તેમજ ચલ-વિચલ પણ થતી નથી. સુદેવ, સદ્ગુરુ તથા સુધર્મ પ્રત્યે જે પ્રેમ થાય છે તે પ્રશસ્તરાગ છે. સ્વાર્થ તથા લોભ કે મોહથી થતો રાગ સંસારવૃદ્ધિનું કારણ બને છે. આવા રાગના ત્યાગની વાતો દરેક સંતોએ કરી છે.
- શ્રી યશોવિજયજી મહારાજ કહે છે, - " રાગ ન કરશો કોઈ જન કોઈશું રે, ન રહેવાય તો કરજો મુનિશું રે! મણી જેમ ફણી વિષનો તેમ તે હો રે, રાગનું ભેષજ સુજસ સનેહો રે ૧
આવા પ્રકારનો રાગ છેવટે નીરાગતાનું કારણ બને છે. રુચિ એટલે કે ઈચ્છા. સ્વકર્તવ્યપૂર્તિકારક સમકિતરૂપ શ્રદ્ધા.
આ રીતે પ્રેમ – પ્રતીત રાગ – રુચિના રંગથી રંગાયેલી ઝીણી સાડી ચેતનાએ પહેરી છે જેથી ચેતનનું વિશેષ આકર્ષણ થાય છે.
નવપરિણીત સ્ત્રી હાથે મહેંદી મૂકી, હાથને ઠંડા તથા લાલ બનાવે છે. તેમ કરવાથી તેની સુંદરતામાં વૃદ્ધિ થાય છે. તેમ ચેતનાએ પતિભક્તિની મહેંદી મૂકી છે. ભક્તિનો રંગ એવો અભિનવ છે કે તેની લયમાં રાવણ જેવા અનેક જીવો પરિત સંસારી થઈ ગયા. ભક્તિ એ પુષ્ટ અવલંબન છે. ભક્તિમાં અગાધ શક્તિ છે. ભાવયુક્ત ભક્તિ ભગવાનને ખેંચી લાવે છે. શબરીની ભક્તિથી ભગવાન રામ ખેંચાયા, દ્રૌપદીની આંતરિક ભક્તિથી કૃષ્ણ અદેશ્ય રહી હાજર થયા. ભક્તિ, પરંપરાએ અવશ્ય મુક્તિ અપાવે છે.
સામાન્ય રીતે દરેક સ્ત્રીને ટેવ હોય છે કે તે શૃંગારની સાથે આંખોમાં કાજળ આંજી, પાંપણ પાસે કાજળની કાળી પાતળી રેખા બનાવે છે. એથી મોઢાની સુંદરતામાં ઓપ આવે છે. શુદ્ધચેતનાએ પોતાના સ્વભાવગત પારિણામિક ભાવોનું આંજણ આજેલ છે. શુદ્ધભાવોમાં તન્મયતા આવતા ચેતના તો ચેતનનાં ધ્યાનમાં સ્થિર થઈ ગઈ છે.
આ કડીમાં ત્રણ પ્રકારના શુંગાર કહ્યા. પતલી સાડી – શ્રદ્ધારૂપ સાડી, ભક્તિરૂપ મહેંદી, ભાવરૂપ અંજન આ ત્રણે ભાવો આત્મામાં