________________
અનુભવ રસ
૧૧s
પદ-૧૯,
"दुलह नारी तुं बडी बावरी" સ્વભાવદશાને ઢંઢોળીને જાગૃત કરે એવું આનંદઘનજી મહારાજનું આ પદ મર્મસ્પર્શી છે. કવિશ્રીએ ચેતન, ચેતનાની આંતર-બાહ્યદશાનું આબેહૂબ વર્ણન કરેલું છે. સ્વપુરુષાર્થથી વિકાસની શ્રેણી પર આત્માએ ચડવાનો ક્રમ અહીં બતાવવામાં આવ્યો છે. આ ક્રમ વિધિપૂર્વક જ હોય છે. અવિધિથી ઉટપટાંગ રીતે આત્મશુદ્ધિ તો ન થાય. અરે! એ માર્ગે ચાલવાની યોગ્યતા પણ પ્રાપ્ત ન થાય માટે સર્વપ્રથમ જીવ સત્ પુરુષાર્થથી માર્ગાનુસારી બને છે અને પછી અનાદિ મિથ્યાભાવોનો ત્યાગ કરી પહેલાં મિથ્યાત્વ ગુણસ્થાનકથી બેઠો થાય છે તથા આગળ વધવા પગ ઉપાડે છે. ચેતન પગ ઉપાડી ચેતના પાસે જાય છે ત્યારે ચેતના શું કહે છે તથા ચેતન, ચેતનાની આ દશા જોઈને ચેતનનો અનુભવ મિત્ર કે જે દરેક ક્ષણે ચેતનની સાથે જ રહે છે તે ચેતનાને શું કહે છે તે કવિશ્રી વેલાવલ રાગમાં' કહે છે.
दुलह नारी तुं बडी बावरी, पिया जागे तुं सोवे; पिया चतुर हम निपट अग्यानी, न जानु क्या होवे ?।। १॥
નવપરિણિત સ્ત્રીને દુલ્હન કહેવામાં આવે છે. સામાન્ય રીતે સ્ત્રી જાગે અને પતિ સૂવે. પતિને સુવરાવ્યા બાદ પત્ની સૂઈ જાય. પરંતુ અહીં તો પત્ની સૂતી છે ને પતિ જાગે છે. તેવી વિપરીત સ્થિતિ છે. તેથી અનુભવરૂપી મિત્રને આશ્ચર્ય થાય છે અને તે શુદ્ધચેતનાને કહે છે કે હે ચેતના! તું કેવી મૂર્ખ છો? તારો પતિ જાગે છે અને તું સુતી છો? આ પદનો ગૂઢાર્થ છે હે ચેતન? તું દ્રવ્યક્રિયામાં જાગે છે એટલે વિભાવમાં જાગે છે. સંસારના હેતુભૂત સ્ત્રી-પુત્રાદિક વગેરેમાં પ્રેમભાવ રાખવો તથા સંતાન માટે ખટપટ કરવી તે મોહની નિશાની છે. ચેતન તેમાં જાગતો રહે છે. એટલે કે તે વિભાવમાં જાગતો રહે છે ત્યારે ચેતના કહે છે કે હું તો માર્ગની બિલકુલ અજાણ છું. વળી આમ પારકા ઘરે રખડતા પતિથી પત્ની રીસાઈને સૂતી રહે તેમાં કોઈ આશ્ચર્યરૂપ ઘટના નથી.