________________
૧૧૫
અનુભવ રસ દ્વિધાભાવ ટકતો નથી. મનમાં જુદું અને બોલવાનું જુદું તેવું વર્તન કે વાણી હોય નહીં. વળી શુદ્ધ પ્રેમમાં સ્વાર્થની ગંધ સુધ્ધાં હોય નહીં. વળી નાના-મોટાનો ભેદ પણ હોય નહીં, તેથી અહંવૃત્તિ, મોટાઈ કે અભિમાનનું તો સ્થાન જ રહેતું નથી. હે આનંદઘન પ્રભુ! આપ જ ચેતનાને દ્વારે પધારો અને સમતારૂપ સેજમાં બિરાજો. '
ચેતન સ્વઘર સિધાવે પછી કોઈ વિકલ્પને સ્થાન રહેતું નથી. વિભાવનું વમન કરી, સ્વભાવ તરફ ઝુકતા ચેતનની ચેતના જાગૃત થાય છે. અનંતકાળથી વિખૂટા પડેલ ચેતન-ચેતનાનું મધુર મિલન થાય છે. પછી તો આનંદરસની રંગરેલી જ હોય ને. આ પદમાં અધ્યાત્મભાવોનું ઉડાણ અને ગાંભીર્ય દશ્યમાન થાય છે.
આનંદઘનપ્રભુ! પોતાની પ્રિયાને મળવા ઈચ્છે તો છે પણ જે માણસ વર્ષો થયા ઘરે ગયો ન હોય તથા પોતાની પત્ની સામું જોયું ન હોય તેને ઘરે જતાં શરમ આવે તથા ડર પણ લાગે. માનવ વિચારે પણ ખરો કે હું કેમ ઘરે જાઉં? કેવી રીતે પત્નીને સમજાવું? શી વાત કરું? વાતની શરૂઆત કેવી રીતે કરું? વગેરે પ્રશ્નો થાય તથા તેનું સમાધાન પણ સહજ રીતે અંતઃકરણમાંથી મળી જાય છે. -
કવિશ્રીએ આ પદમાં માનવીયકરણ કરી આત્માની વ્યાકુળતા જાહેર કરી છે. સુમતિ, ચેતન – ચેતનાને મિલન કરાવવા ન્યાયાધીશનું કામ કરે છે.
કવિએ આ પદમાં, પ્રણયની પરિભાષાના શબ્દોનો, આધ્યાત્મિક દષ્ટિએ વિનિયોગ કર્યો છે.