________________
અનુભવ રસ તથા આચરવા કવિ સાધકને અનુરોધ કરે છે.
મન મુંડયા વિન મુંડકું, અતિ ઘેટ મુંડાવે, જટા જુટ શિર ધરાકે, કોઉ કાન ફરાવે... જોગ ઉર્ધ્વ બાહુ અધોમુખે, તન તાપે તપાવે,
ચિદાનંદ સમજયા વિના,ગિણતી નહિ આવે.. જોગ મોક્ષમાર્ગને જાણ્યા વિના, માથું મુંડાવવાથી, જટા વધારવાથી કે તન તપાવવાથી સિદ્ધિ મળી શકતી નથી. પણ તેનાથી વિપરિત ભેખ ધારણ કરી, જગતને ભરમાવવાનો ધંધો શરૂ થાય છે. સ્થિરતાયુક્ત યોગમાર્ગ આત્મોપયોગી બને છે. મન તથા ઇન્દ્રિયોને યોગમાં જોડવાથી સાધક પોતાની સર્વવાસના તથા વિકારો પર વિજય મેળવવા સ્વરૂપ વિચારણા કરે છે. તે વિચારે છે કે “અહો! મારો આત્મા સાક્ષાત્ ગુણરત્નોનો ખજાનો છે. સર્વજ્ઞ, સર્વદર્શી છે. પરમાત્મ સ્વરૂપ છું. નિરંજન, નિરાકાર મારું રૂપ છે. આમ વિચારતાં પરમાત્મ પદને અનુસરે છે અને અયોગી એવા આત્મ સ્વરૂપની પૂર્ણતાને પામે છે. તથા સર્વકાર્ય સિદ્ધ કરે છે.
આમ આ પદમાં કવિશ્રી આનંદઘનજીએ સાધકને સાધનાનો ઉત્તમ માર્ગ બતાવ્યો છે. કવિએ સર્વ પ્રથમ સાખી લખી માર્ગનું ઉદ્ઘાટન કર્યું છે. કવિશ્રીની સાખીઓ અનેક અર્થવાળી તથા ગંભીર આશયવાળી હોવાથી કવિત્વશક્તિની અપૂર્વભાસ કરાવે છે. કવિશ્રીનું આ પદ લાલિત્ય અને અર્થગૌરવયુકત છે. કેટલી ઓછી પંકિતઓમાં એમણે અધ્યાત્મમાર્ગરૂપ ચાવી આપી દીધી છે.
સ્વાનુભવ વિના આવી પંકિતઓ લખી શકાય નહિ. કવિનું આ છઠું પદ સર્વપદોમાં મુગટ સમાન છે.