________________
४८
અનુભવ રસ
આકૃતિરહિત, જ્ઞાનાનંદ સ્વરૂપ નિરંજન, સિધ્ધ પરમાત્માનું ધ્યાન તે રૂપાતીત ધ્યાન કહેવાય છે.
દ્રવ્ય, ગુણ અને પર્યાયના લક્ષણપૂર્વક જે યોગીઓ આત્માનું સ્વરૂપ વિચારે છે તે રૂપાતીત ધ્યાનમાં પ્રવેશ કરે છે. જે પોતાના આત્માના શુદ્ધ સ્વરૂપમાં જ ઉપયોગ રાખે છે તે રૂપાતીત અથવા શુક્લધ્યાનમાં સ્થિર થઈ શકે છે. જેમ મીઠાની પૂતળી સમુદ્રમાં ઓગળી જાય છે અને પોતાના રૂપનો ત્યાગ કરે છે તેવી જ રીતે મનની ચંચળતાનું રૂપાતીત ધ્યાન કરતાં નાશ પામે છે. પિંડસ્થ, પદસ્થ અને રૂપસ્થ ધ્યાન કરતાં રૂપાતીત ધ્યાનની અનંતગણી ઉત્તમતા છે.
(૮) સમાધિ- યોગદર્શનમાં કહ્યું છે, "तदेवार्थ मात्र निर्भास स्वरूप शून्यमिव समाधिः"
ધ્યાન જ્યારે વૃદ્ધિ પામેલા અભ્યાસ દ્વારા પોતાની ધ્યાનાકારતાને પરિત્યાગ કરી, માત્ર ધ્યેય સ્વરૂપમાં સ્થિર થાય ત્યારે તેને સમાધિ કહેવાય છે. હઠ્યોગ પ્રદીપિકામાં સમાધિનું સ્વરૂપ બતાવતા કહ્યું છે,
सलिले सैन्धवं, यदवत् साम्यं भजति योगतः। __ तथात्म मन सारैकयं, समाधिरभि धीयते।।
જેમ નમક જળમાં જળરૂપ થઈ જાય છે તેમ મન આત્મામાં વિલીન થઈ જાય છે. મન અને આત્માની એકતાનું નામ સમાધિ.
પાતંજલ યોગદર્શન સ્વરૂપ શૂન્યદશાને સમાધિ કહે છે.
બુદ્ધિસાગરજી મહારાજ કહે છે કે જ્ઞાનાવરણાદિ સર્વ કર્મના ક્ષયથી ઉત્પન્ન થતી સ્થિતિને સમાધિ કહેવામાં આવે છે.
સમાધિના બે ભેદ છે. (૧) સહજ સમાધિ (૨) હઠ સમાધિ.
જે જે અંશે રાગ-દ્વેષાદિ પ્રવૃત્તિઓનો ઉપશમ, ક્ષય કે ક્ષયોપશમ થાય છે તેટલે અંશે સમાધિગુણ ખીલે છે. મનની નિર્વિકલ્પદશાને સમાધિ કહેવામાં આવે છે. જૈન યોગાચાર્ય શુક્લ ધ્યાનનાં ચોથા પાયાનાં અંતે આત્માનો મોક્ષ માને છે. જે સાધક ધ્યાન સમાધિમાં સમાઈ જાય છે તે સાચા અર્થમાં યોગી બને છે. જે પ્રાથમિક ભૂમિકામાં બાળોભોળો સંન્યાસી હતો તે મહાનયોગી બને છે. કવિ આ પદની ત્રીજી કડીમાં કહે છે,