________________
સામ્યશતક
૯૧
શ્લોક-૧
येनैव तपसा प्राणी मुच्यते भवसंततेः ।
तदेव कस्यचिन्मोहाद् भवेद् बन्धनिबन्धनम् ॥ અર્થ – જે તપથી જીવાત્મા આ સંસારપરંપરાથી મુક્ત થાય છે, તે જ તપ મોહના કારણે કોઈ પુરુષના સંસારબંધનનું કારણ થાય છે. ભાવાર્થ – તપનો પરમાર્થ સમજી, આત્મપ્રાપ્તિ અર્થે થતાં તપ મોક્ષમાર્ગે સહાયકારી થાય છે; પરંતુ જો તપ વડે આત્મશુદ્ધિ કરવાનો લક્ષ ન હોય તો તે તપ નિર્જરાનું કારણ બનતાં નથી. જો તપથી શુભ પરિણામ રહે તો શુભ કર્મોનો બંધ થાય છે અને જો તપ કરીને અહંકારની વૃદ્ધિ થતી હોય, માન-સત્કાર આદિની આકાંક્ષા રહેતી હોય તો તે તપથી અશુભ કર્મો બંધાય છે. ઇચ્છાનિરોધ એ તપ છે, જેનાથી મલિન વૃત્તિઓનો નાશ થાય છે, ચિત્ત શાંત થાય છે; તેના બદલે લૌકિક ભાવની વૃદ્ધિ થાય તો તે સંસારવૃદ્ધિનું કારણ બને છે. આમ, મોહાધીન થઈ કરવામાં આવેલાં તપ આત્મઘાતક નીવડે છે.