________________
સામ્યશતક
બ્લોક-૮૯
दंभजादपि निःसंगाद् भवेयुरिह संपदः ।
निःछद्मनः पुनस्तस्मात् किं दवीयः परंपदम् ॥ અર્થ – આ દુનિયામાં દંભયુક્ત નિઃસંગતાથી પણ સંપત્તિઓ પ્રાપ્ત થાય છે, તો જો નિઃસંગપણું નિષ્કપટ હોય તો તેનાથી મોક્ષ અતિ દૂર કેમ હોય? અર્થાત્ ન જ હોય. ભાવાર્થ – અંતરંગ ત્યાગ-વૈરાગ્ય વિના જો બાહ્ય ત્યાગ કરવામાં આવે તો પરમાં રહેલી આસક્તિના કારણે યથાર્થ વિરક્તિ આવતી નથી. પરમાં સુખબુદ્ધિ હોવાથી અંતરમાં ભોગની વાસનાઓ ઊઠે છે, પણ બાહ્ય ત્યાગ હોવાથી તે એને ભોગવી શકતો નથી અને વિરક્તિનો ઢોંગ ધરે છે. પરંતુ લોકો તો તેનો બાહ્ય ત્યાગ જોઈ તેને માનપાન આપે છે, તેના ચરણે પોતાની સંપત્તિ ધરી દે છે. વળી, બાહ્ય ત્યાગથી બંધાતાં પુણ્ય ફળવાન થતાં તે દેવ થાય છે, જ્યાં તે અઢળક સંપત્તિનો માલિક બને છે. જો બાહ્ય ત્યાગ આટલું ઐશ્વર્ય આપી શકે તો અંતરંગ ત્યાગ-વૈરાગ્યથી પુષ્ટ થયેલી નિષ્કપટ નિઃસંગતા પુણ્ય-પાપથી રહિત દશા - મોક્ષ, શાશ્વત ઐશ્વર્ય આપે એમાં કાંઈ આશ્ચર્ય નથી!