________________
૮૪
अध्यात्मोपनिषद्विजमौदासीन्यममन्दयन् ।
न किंचिदपि यः पश्येत्स पश्येत् तत्त्वमात्मनः ॥
સામ્યશતક શ્લોક-૪
અર્થ
અધ્યાત્મજ્ઞાનના બીજરૂપ ઉદાસીનપણાને સતેજ કરનાર
જે પુરુષ કંઈ પણ જોતો નથી, તે પુરુષ આત્મતત્ત્વને જુએ છે.
-
ભાવાર્થ
રાગ-દ્વેષનાં પરિણામ વિરામ પામતાં ઉદાસીનતા ઉદ્ભવે છે. આ ઉદાસીનતા અધ્યાત્મરૂપ શુદ્ધ આત્મદશાની જનની છે. જો જીવ આંતર-બાહ્ય તત્ત્વને યથાર્થ રીતે જાણે તો તે સર્વથી ઉદાસીન થઈ, નિજસ્વરૂપમાં ઐક્ય સાધે અને તેમાં ઠરે. તેથી આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે ઉદાસીનતા પ્રબળપણે સેવવા યોગ્ય છે. એક વાર અંતર્મુખ થઈ, આત્મતત્ત્વને અનુભવનાર ક્યારે પણ બહિર્મુખ થવા ઇચ્છતા નથી. તેમને સ્વ-૫૨નો સમ્યક્ બોધ થયો હોવાથી આત્મતત્ત્વ સિવાય કશાનું પણ આકર્ષણ રહેતું નથી. પરની આસક્તિ છૂટી જતાં તેઓ સર્વ ઇચ્છાથી વિરામ પામે છે, હર્ષ-શોકાદિ દ્વંદ્વોથી ૫૨ થઈ જાય છે. તેમને એકમાત્ર આત્મતત્ત્વની જ રુચિ રહે છે.
-