________________
સામ્યશતક બ્લોક-૭૯
वासनावेशवशतो ममता न तु वास्तवी ।
गवाश्वादिनि विक्रीते, विलीनेयं कुतोऽन्यथा ।। અર્થ - જીવને વાસનાના આવેશથી મમતા હોય છે, વાસ્તવિક નથી હોતી. જો મમતા વાસ્તવિક હોય તો ગાય, ઘોડા આદિ વેચી દીધાં પછી મમતા કેમ જતી રહે છે? ભાવાર્થ – વાસના આત્માનો સ્વભાવ નથી, તેથી તેના આવેશથી ઊપજતા મમત્વાદિ પણ સ્વભાવભૂત ભાવ નથી. અર્થાત્ વાસના કે તેના નિમિત્તે ઊપજતા ભાવ હંમેશ માટે તેવાં જ રહેતાં નથી; ક્યારેક હોય છે, ક્યારેક નથી પણ હોતાં, એટલે તે સ્વભાવ નહીં પણ વિભાવભાવ છે. વાસના હોય તો મમત્વાદિ ભાવ હોય અને વાસના નાશ પામે તો મમત્વાદિ ભાવનો પણ નાશ થાય છે. ગાય-ઘોડાના માલિકને એ પ્રાણીઓ પ્રત્યે મમતા હોય છે, પરંતુ જો તે એને વેચી નાંખે તો એ મમતા પણ જતી રહે છે. તેથી જીવ જો વાસનાક્ષયના ઉપાય યોજે તો મમત્વ નષ્ટ થાય છે અને તે ત્વરાથી સ્વરૂપ પ્રાપ્તિ કરી શકે છે.
.