________________
ક
સામ્યશતક શ્લોક-૨૯
विधाय कायसंस्कारमुदारघुसृणादिभिः ।
आत्मानमात्मनैवाहो, वंचयन्ते जडाशयाः ॥ . અર્થ – જડ બુદ્ધિના પુરુષો ઊંચી જાતના કેશર વગેરેથી પોતાનાં શરીરને શણગારીને આત્માથી જ આત્માને ઠગે છે! ભાવાર્થ – આત્મગુણવિકાસ કરવાથી જીવની શોભા વધે છે, પરંતુ જડ બુદ્ધિવાળો - મોહના કારણે ભાન ગુમાવી બેઠેલો જીવ, પોતાની શોભા વધારવા માટે શરીરને શણગારે છે. શરીરને પોતાનું સ્વરૂપ માની, કેશર-ચંદન વગેરે દ્રવ્યો વડે તેને સાચવવામાં, શણગારવામાં, તેની શોભા વધારવામાં રાચે છે અને શરીરની સુંદરતા વધે તેમાં કૃતકૃત્યતા અનુભવે છે. પરંતુ આવી ચેષ્ટાઓથી તે પોતે પોતાને ઠગે છે, કારણ કે પૂરણ-ગલન સ્વભાવવાળાં પુદ્ગલનું બનેલું આ શરીર નશ્વર છે, તેને સાચવવાનો ગમે તેટલો પ્રયત્ન કરવામાં આવે તોપણ વ્યર્થ છે. અજ્ઞાનીને આવું ભાન રહેતું નથી, તેથી તેનો મહામૂલો મનુષ્યભવ શરીર પાછળ વેડફી નાંખી, તે પોતાના આત્માને ગુમાવે છે.