________________
૬૮
સામ્યશતક
બ્લોક-૯૮
निजलालाविलं लीढे यथा श्वा शुष्ककीकसम् ।
स्ववासनारसाज्जन्तुर्वस्तुभिः प्रीयते तथा ।। અર્થ – જેમ કૂતરો પોતાની લાળથી વ્યાપ્ત એવા સૂકા હાડકાને રસપૂર્વક ચાટે છે, તેમ જીવાત્મા પોતાની વાસનાના રસથી, વસ્તુઓથી ખુશ થાય છે. ભાવાર્થ.- જેમ સૂકું હાડકું કોઈ પણ પ્રકારે સુખ આપી શકતું ન હોવા છતાં કૂતરો તેને ચાવી ચાવીને સુખ મેળવવા પ્રયત્ન કરે છે. તેને એમાંથી જે સુખ મળતું ભાસે છે, એ ખરેખર તો એમાંથી આવતું નથી, પણ હાડકાના કારણે પડતી લાળનો સ્વાદ તેને સુખનો ભાસ કરાવે છે. તેમ મોહવશ જીવને વિષયવાસના પોષવાથી સુખ મળશે એવી ભ્રાંતિ હોવાથી તે પરદ્રવ્યને પ્રાપ્ત કરી, ઇન્દ્રિયો દ્વારા એમાંથી સુખ મેળવવાનો સતત પ્રયત્ન કરતો રહે છે. પુણ્યોદય હોય તો તેને પરદ્રવ્યની પ્રાપ્તિ થવાથી એમાંથી સુખ મળતું ભાસે પણ છે, પરંતુ ખરેખર પરમાંથી સુખ આવતું નથી. વસ્તુતઃ પરની પ્રાપ્તિના કારણે થતી ઉત્તેજના, વાસનાપૂર્તિ અને દુઃખનો પ્રતિકાર તેને સુખનો ભાસ કરાવે છે.