________________
સામ્યશતક શ્લોક-3
वीरपंचतयीमेतामुरीकृत्य मनोभवः ।
उपैति सुभटश्रेणी संख्यारेखां न पूरणीम् ।। અર્થ - મનમાંથી ઉત્પન થનારો કામદેવ, પાંચ ઇન્દ્રિયરૂપ યોદ્ધાઓને અંગીકાર કરીને, સુભટોની શ્રેણીને પૂરનારી સંખ્યાને પ્રાપ્ત થતો નથી, અર્થાત્ તે તેટલાથી જ પૂર્ણ છે! ભાવાર્થ – કામવાસના સંકલ્પ વિચારોમાંથી જન્મે છે અને વિચારનું ઉદ્ગમસ્થળ મન છે, તેથી કામદેવનું જન્મસ્થળ મન છે. અજ્ઞાન-અંધકારમાં રહેતું મન આત્મામાંથી ઊઠતાં વિભાવભાવોનું, વિષયવાસનાનું સંગ્રહાલય હોવાથી કામદેવ જાણે છે કે પોતાનો નિર્વાહ મનમાં બહુ સારી રીતે થઈ શકશે અને તે ત્યાં રહીને જીવ ઉપર એકચક્રી રાજ કરી. શકશે, તેથી તે ત્યાં રહીને સંસારમાં પોતાનું સામ્રાજ્ય ફેલાવે છે. તેના સામાજ્યના રક્ષણ અને પોષણ માટે પાંચ ઇન્દ્રિયરૂપ બળવાન યોદ્ધાઓ તેની તહેનાતમાં રહે છે. આ યોદ્ધાઓ એટલા બધા શક્તિશાળી છે કે કામદેવને સંસાર ઉપર રાજ કરવા અન્ય કોઈની પણ જરૂરિયાત રહેતી નથી.