________________
૫૧.
સામ્યશતક શ્લોક-પ૧
समंतात् तस्य शोषाय स्वस्थीकृतजलाशयम् ।
इमं मानससंतोषमगस्तिं श्रय सत्वरम् ॥ અર્થ – એ(લોભરૂપી સમુદ્ર)નું સમગ્રતયા શોષણ કરવા માટે જલાશય(જડાશય)ને સ્વસ્થ કરનાર હૃદય! સંતોષરૂપ અગસ્તિ મુનિનો સત્વર આશ્રય કર. ભાવાર્થ - અગસ્તિ મુનિની કથામાં આવે છે કે તેમણે સમુદ્રનું પાન કરીને તેનું શોષણ કર્યું હતું. વળી, આકાશમાં અગસ્તિનો તારો ઊગે છે ત્યારે સમુદ્રજળનું શોષણ થાય છે તથા બીજાં જળાશયોમાં પાણી સ્વચ્છ થાય છે. તેમ લોભરૂપી સમુદ્રનું શોષણ કરવા સંતોષરૂપી અગસ્તિનો આશ્રય લેવો જોઈએ. ચિદાકાશમાં સંતોષરૂપી તારો ચમકતાં હૃદય સ્વચ્છ અને સ્વસ્થ થાય છે. અંતરમાં સંતોષ પ્રતિષ્ઠિત થતાં લોભનું શોષણ થાય છે અને વિવેક પ્રગટ થતાં નિરુપાધિક સુખ, શાંતિનો આવિર્ભાવ થાય છે, આત્મિક ગુણો ખીલે છે અને મોક્ષમાર્ગે આગળ વધાય છે.