________________
સામ્યશતક શ્લોક-૧૫
पर्यवस्यति सर्वस्य तारतम्यमहो क्वचित् । ।
निर्ममत्वमतः साधु कैवल्योपरि निष्ठितम् ॥ અર્થ – અહો! સર્વે પદાર્થોની તરતમતા (ઓછાવત્તાપણું) કોઈ ઠેકાણે પર્યવસાન પામે છે, (અર્થાત્ સમાપ્ત થાય છે); પણ એ બધામાં શ્રેષ્ઠ એવું નિર્મમત્વ તો કેવળજ્ઞાનમાં જ પર્યવસાન પામે છે. ભાવાર્થ – સંસારનાં સુખ અલ્પકાલીન છે, તરતમતાવાળાં છે, સીમિત છે. વળી, તે વાસ્તવિક સુખ નહીં પણ સુખાભાસ છે, છતાં મૂઢ જીવો તેમાં રાચે છે. તેઓ નિર્મમત્વથી પ્રાપ્ત થતાં સુખની કલ્પના પણ કરી શકતા નથી, તો તે માટે પ્રયત્ન તો ક્યાંથી કરે? નિર્મમત્વનું સુખ નિઃસીમ છે અને તે જીવને પરમસુખ તરફ લઈ જાય છે. નિર્મમત્વનાં સુખની ગંગા અનંત, શાશ્વત સુખના સાગરમાં જઈને ભળે છે.