________________
સામ્યશતક બ્લોક-૧૩
ममत्ववासना नित्यसुखनिर्वासनानकः ।
निर्ममत्वं तु कैवल्यदर्शनप्रतिभूः परम् ॥ અર્થ - મમતાની વાસના શાશ્વત સુખને વિદાય કરવામાં પટહરૂપ છે અને નિર્મમતા કૈવલ્યદર્શન કરાવવામાં ઉત્કૃષ્ટ સાક્ષીરૂપ છે. ભાવાર્થ – મમત્વની ઉપસ્થિતિમાં જો સમત્વનું સુખ પણ રહી શકતું ન હોય તો શાશ્વત સુખ ન જ રહે એ વાત નિર્વિવાદ છે. મમતાની સાથે રાગ-દ્વેષ, હર્ષ-શોક, રતિ-અરતિ જેવા અનેક કંકો ચિત્તમાં ઊછળતા હોવાથી ત્યાં ચિત્તસ્થિરતા હોતી નથી, તેથી અંશમાત્ર પણ સુખની પ્રાપ્તિ થઈ શકતી નથી. પરંતુ નિર્મમતા હોય ત્યાં ચિત્ત શાંત હોય છે, પ્રસન્ન હોય છે. પ્રસન્ન ચિત્ત આત્મામાં લીન થતાં. પરમાનંદનો અનુભવ થાય છે. આમ, નિર્મમતા આવે એટલે કૈવલ્ય હાથવેંત છે, મુક્તિ નિશ્ચિત છે.