________________
સામ્યશતક
શ્લોક-૧૦
तस्यानघमहो बीजं निर्ममत्वं स्मरन्ति यत् ।
तद्योगी विदधीताशु तत्रादरपरं मनः ।। અર્થ – ખરેખર, તે ઉદાસીનતાનું પવિત્ર બીજ નિર્મમતા છે. માટે યોગીએ અવિલંબ તે નિર્મમત્વ ઉપર મનને આદરવાળું કરવું જોઈએ. ભાવાર્થ – સંસારનું મૂળ અહ-મમબુદ્ધિ છે અને સંસારક્ષયનો ઉપાય ઉદાસીનતા છે. અહ-મમભાવ, આસક્તિ રાગ-દ્વેષને ઉત્પન્ન કરે છે. જો રાગ-દ્વેષનો નાશ થાય તો મન વિશ્રામ પામે છે તેમજ ઉદાસીનતાનો ઉદ્ભવ થાય છે; અને રાગદ્વેષનો ક્ષય નિર્મમત્વથી થાય છે. નિર્મમત્વરૂપ બીજ અંકુરિત થતાં ઉદાસીનતાનો છોડ નવપલ્લવિત થાય છે. તેથી યોગી નિર્મમતામાં વિના વિલંબે મનને જોડે છે, તેમાં જ રમણતા કરે છે.