________________
સામ્યશતક શ્લોક-૯
राग-द्वेष परित्यागाद्विषयेष्वेषु वर्तनम् । .. औदासीन्यमिति प्राहुरमृताय रसांजनम् ।। અર્થ – વિષયોમાં રાગ-દ્વેષ વિના પ્રવર્તવું, તેને ઔદાસીન્ય કહેવાય. તે ઔદાસીન્ય (સમત્વ) મોક્ષ (અમૃત) માટે રસાંજન (ઔષધરૂ૫) છે. ભાવાર્થ – ઉદાસીનતા હોય ત્યાં પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં રાગ-દ્વેષથી રહિત પ્રવૃત્તિ થાય છે. જ્યાં સુધી મન-વચનકાયાના યોગ છે ત્યાં સુધી પ્રવૃત્તિ રહે છે, પરંતુ જો તેમાં ઈનિષ્ટની કલ્પના ન રહે, રાગ-દ્વેષ ન ઉદ્ભવે, અનાસક્ત થવાય તો ચિત્ત સ્થિર થાય છે. ચિત્ત સ્થિર થતાં સહજ ભાવમાં પ્રવર્તન થાય છે. સહજ ભાવમાં લીનતા થવી એ ઉદાસીનતાનું ફળ છે. જેમ આરોગ્યની પ્રાપ્તિ માટે ઔષધસેવન કરવામાં આવે છે, તેમ ઉદાસીનતાનું નિરંતર સેવન કરવાથી આત્મ-આરોગ્ય - મોક્ષ પ્રાપ્ત થાય છે.