________________
૧૦૩
સામ્યશતક બ્લોક-૧૦૩
साम्यदिव्यौषधिस्थेममहिम्ना निहतक्रियम् ।
कल्याणमयतां धत्ते, मनो हि बहु पारदम् || અર્થ – પારાના જેવું અતિ ચંચળ મન, સામ્યગુણરૂપ દિવ્ય ઔષધિના સ્થિરપણાના મહિમાથી ક્રિયારહિત થઈ કલ્યાણપણું ધારણ કરે છે. ભાવાર્થ – જેમ પારાને પકડવાનો ગમે તેટલો યત્ન કરવામાં આવે તોપણ તે હાથમાંથી સરી પડે છે, તેમ મન પણ અતિ ચંચળ છે, તેને વશ કરવું અતિ દુર્ઘટ છે, પણ સામ્યગુણરૂપ ઔષધિ વડે તેને બાંધી શકાય છે. પરદ્રવ્ય-ભાવથી ઉદાસીને થતાં મનને ભટકવા માટે ક્ષેત્ર મળતાં નથી. વિષય-કષાય ન મળતાં નવરું થયેલું મન આત્મા તરફ વળે છે, અર્થાત્ તે આત્મા સંબંધી ચિંતન-મનનમાં તેમજ ધર્મક્રિયામાં જોડાય છે. સામ્યભાવમાં રમણતારૂપ આંતરિક સાધના સાથે-મન-કાયા જોડાતાં આત્મસ્થિરતા સહજતાથી આવે છે. જેમ જેમ આત્મસ્થિરતા આવતી જાય છે, તેમ તેમ મન વિલીન થતું જાય છે. અને જીવ આત્મહિત સાધે છે. વળી, તે કલ્યાણમૂર્તિ બીજા જીવોને પણ તેમનું કલ્યાણ સાધવામાં સહાયભૂત થાય છે.