________________
સામ્યશતક શ્લોક-૧૦૧
૧૦૧
प्रातिहार्यमियं धत्ते निवृत्तिर्निवृत्तिश्रियः । य एव रोचतेऽमुष्यै तां स एव हि पश्यति ॥ અર્થ – આ નિવૃત્તિ (ઉપરરિત) મોક્ષલક્ષ્મીની પ્રતિહારીનું કામ કરે છે. તેથી જે પુરુષ એ નિવૃત્તિને ગમે છે, તે પુરુષ મોક્ષલક્ષ્મીનું દર્શન કરી શકે છે.
-
ભાવાર્થ જેમ રાજાનું દર્શન કરવા ઇચ્છનારને જો દ્વારપાળ અટકાવે તો તે રાજાનાં દર્શન કરી શકતો નથી; તેમ નિવૃત્તિ મોક્ષલક્ષ્મીની દ્વારપાળ હોવાથી, મોક્ષલક્ષ્મીનું દર્શન કરવા ઇચ્છનાર જો નિવૃત્તિને ઉપાસે નહીં તો તે મોક્ષલક્ષ્મીનાં દર્શન કરી શકતો નથી. સર્વ પરભાવથી સર્વ પ્રકારે જ્યાં સુધી નિવૃત્ત ન થવાય ત્યાં સુધી મોક્ષ થતો નથી. અંશમાત્ર પરભાવ મોક્ષને અટકાવતો હોવાથી તેના સંપૂર્ણ નાશ માટે અત્યંતર નિવૃત્તિ સેવવાયોગ્ય છે. અત્યંતર નિવૃત્તિમાં બાહ્ય નિવૃત્તિ સહાયભૂત થાય છે, પણ માત્ર બાહ્ય નિવૃત્તિથી મોક્ષની પ્રાપ્તિ થતી નથી; તેથી તેના અવલંબને અત્યંતર નિવૃત્તિ સાધવાની છે - એ લક્ષ સહિત બાહ્યથી નિવૃત્ત થઈ આત્મસાધના કરતાં મોક્ષલક્ષ્મીનાં દર્શન થાય છે.