________________
૧૦૦
સામ્યશતક
શ્લોક-૧૦૦
योगश्रद्धालवो ये तु नित्यकर्मण्युदासते । प्रथमे मुग्धबुद्धीनामुभयभ्रंशिनो हि ते ।।
અર્થ
જે પુરુષો માત્ર ‘યોગ' ઉપર શ્રદ્ધા રાખીને બીજાં આવશ્યક ધર્મકૃત્યો તરફ ઉદાસ રહે છે, તેઓ મૂર્ખશિરોમણિ છે. તેઓ ઉભય ભ્રષ્ટ થાય છે.
—
ભાવાર્થ નિર્વિકલ્પ સમાધિ ઘટતાં આત્માનુભૂતિ થાય છે અને આ સમાધિ અર્થે અષ્ટાંગ યોગની સાધના દર્શાવવામાં આવી છે. પરંતુ જ્યાં અશુભ યોગ મુખ્યપણે પ્રવર્તતાં હોય ત્યાં સીધી નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત થઈ શકતી નથી. તે અર્થે છ આવશ્યકરૂપ ધર્મક્રિયાઓ પણ દર્શાવવામાં આવી છે કે જેથી જીવ શુભ યોગમાં સ્વરૂપલક્ષે પ્રવર્તન કરી, યોગસાધના દ્વારા શુદ્ધ ભાવ સુધી પહોંચી શકે. પરંતુ જે જીવ હજી વિશેષપણે અશુભ યોગમાં પ્રવર્તતો હોય, છતાં પણ જો તે યોગસાધનાને, ધ્યાનાભ્યાસને મુખ્ય કરી માત્ર તેમાં રત રહે અને ધર્મક્રિયાઓ છોડી દે તો તે શુદ્ધ ભાવ આત્મસમાધિ પ્રાપ્ત કરી શકતો નથી, પણ મોક્ષમાર્ગથી ભ્રષ્ટ થાય છે. તેને અશુભ ભાવોની હાજરીથી સુખ-શાંતિ મળતાં નથી અને મોક્ષમાર્ગથી પતન થતાં રત્નચિંતામણિ જેવો આ મનુષ્યભવ નિરર્થક જાય છે તથા તેનું ભવભ્રમણ વધી જાય છે.
-