________________
સામ્યશતક
બ્લોક-૯૭
योगग्रंथमहांभोधिभवमथ्य मनोमथा ।
साम्यामृतं समासाद्य सद्यः प्राप्नुहि निर्वृतिम् ।। અર્થ - હે આત્મનું, યોગગ્રંથરૂપ મહાસાગરનું મનરૂપ રવૈયાથી મંથન કર અને સમતારૂપ અમૃતને પ્રાપ્ત કરી તત્કાળ સુખી થા. ભાવાર્થ – આત્મા સાથે જે જોડાણ કરાવે તે યોગગ્રંથો મહાસાગર જેટલા વિશાળ છે. જો તેનું મંથન કરવામાં આવે તો આત્મશુદ્ધિરૂપ નવનીત પ્રાપ્ત થાય છે, અર્થાત્ જો તેનું ચિંતન, મનન, નિદિધ્યાસન કરવામાં આવે તો રાગ-દ્વેષ ઘટે છે, વિષય-કષાયની મંદતા થાય છે, ઈર્ષ્યા-ખેદ-સ્વાર્થ વગેરે મલિન વૃત્તિઓ વિલીન થાય છે અને ઈચ્છાઓ ઘટતાં બાહ્ય દોડ મટે છે. આ રીતે ચિત્ત નિર્મળ થતાં આત્મવિચાર માટે અવકાશ પ્રાપ્ત થાય છે. વળી, સત્સંગ-સ્વાધ્યાયે આદિનું સેવન થતાં આત્મતત્ત્વનો નિર્ણય થાય છે, સ્વરૂપની રુચિ પ્રગટે છે, વૈરાગ્ય-ઉપશમ આદિ ગુણો ખીલે છે. આમ, અનેક પ્રકારે આત્મલાભ થતાં સુખ અને આનંદમાં રમણતા થાય છે.