________________
૯૬
સામ્યશતક
બ્લોક-૯૯
मा मुहः कवि संकल्पकल्पितामृतलिप्सया ।
निरामयपदप्राप्त्यै सेवस्व समतासुधाम् ॥ અર્થ - હે આત્મન, કવિજનોએ મનના સંકલ્પોથી કલ્પલા અમૃતને મેળવવાની ઇચ્છાથી મોહ ન પામ, પરંતુ મોક્ષપદની પ્રાપ્તિ માટે સમતારૂપ અમૃતનું સેવન કર. ભાવાર્થ – કવિ એ છે કે જે પોતાની કલ્પના વડે વાસ્તવિક દુનિયાથી અલગ એવી દુનિયા રચે કે જ્યાં સુખ ન હોય ત્યાં સુખ ભાસે, જેમાં અમૃત છે જ નહીં છતાં તેમાંથી અમૃત મેળવવાની આશા જાગે. જ્ઞાની પુરુષો જીવને ચેતવતાં કહે છે કે હે આત્મા, તું ભ્રમમાં પડે નહીં. આ કલ્પિત જગતમાંથી તને સુખ, શાંતિ, સલામતી ક્યારે પણ નહીં મળે, કારણ કે એ સુખ તો માત્ર કલ્પના છે, વાસ્તવિક નથી. જો તને શાશ્વત સુખ જોઈતું હોય તો, મોક્ષ પ્રાપ્ત કરવો હોય તો સમતારૂપી અમૃતનું સેવન કર. તે અમૃતપાન કરવાથી ક્ષણ ક્ષણનાં ભાવમરણથી, ભવોભવના પરિભ્રમણથી તું મુક્ત થઈશ.