________________
સામ્યશતક શ્લોક-૯૫
साम्यब्रह्मास्त्रमादाय विजयन्तां मुमुक्षवः I मायाविनीमिमां मोहरक्षोराजपताकिनीम् ॥
૯૫
અર્થ સામ્યરૂપ બ્રહ્માસ્ત્રને લઈને મુમુક્ષુઓ, મોહરૂપ રાક્ષસરાજની આ માયાવી સેના ઉપર વિજય મેળવો.
-
ભાવાર્થ મોહ સાથે અનાદિથી જીવે ગાઢ સંબંધ બાંધ્યો છે, તેથી તે એવો મૂર્છિત થઈ ગયો છે કે તે સમજી પણ શકતો નથી કે આ માયાવી રાક્ષસ તેનો સર્વનાશ કરી રહ્યો છે; જેને તે મિત્ર માને છે, એ તેનો સૌથી મોટો શત્રુ છે. તેને જ્યારે મોહનું યથાર્થ સ્વરૂપ સમજાય છે ત્યારે એને હરાવવાની તેને તાલાવેલી લાગે છે. પરંતુ એક તો એ માયાવી છે, શક્તિશાળી છે અને એની સેનામાં ક્રોધ આદિ ઘણા બળવાન યોદ્ધાઓ પણ છે; તેથી એના ઉપર વિજય મેળવવો સહેલો નથી. જ્ઞાની ભગવંતો તેને કહે છે કે નિરાશ થવાની જરૂર નથી. મોહ ભલે ગમે તેટલો શક્તિશાળી હોય, સામ્યરૂપ બ્રહ્માસ્ત્ર ` એના કરતાં અનંતગણું શક્તિશાળી છે. આ શસ્ત્ર લઈ કૂદી પડ, વિજય તારા હાથમાં છે. તું અવશ્ય વિજયી થઈશ.
.