________________
૯૪
सूते सुमनसां कंचिदामोदं समतालता यद्वशादाप्नुयुः सख्यसौरभं नित्यवैरिणः ॥
સામ્યશતક
શ્લોક-૯૪
અર્થ
સમતાલતા સારા મનવાળાને કોઈ સુગંધ આપે છે, જે સુગંધના કારણે નિત્ય વૈર રાખનારાં પ્રાણીઓ પણ મૈત્રીનું સૌરભ પ્રાપ્ત કરે છે.
-
ભાવાર્થ જેને ઇચ્છિત પ્રાપ્ત ન થાય તે સ્વયં દુઃખી છે, તો તે બીજાને શું આપી શકે? જેને પોતાને જ હજી કંઈ જોઈએ છે, તેની પાસે બીજાને આપવા માટે કંઈ જ હોતું નથી. વળી, હજી જેને જોઈએ છે, તેની પોતાની પાસે અશાંતિ, ક્લેશાદિ હોય છે; તેથી તે કોઈને કંઈ આપવા ઇચ્છે કે ન ઇચ્છે તોપણ જે તેની પાસે છે એ જ તે આપે, અર્થાત્ ક્લેશાદિ જ આપે. જ્યારે સમત્વભાવમાં રમણતા કરનાર જીવને એવો સંતોષ વર્તે છે કે તેઓ સદા આનંદમાં રહે છે, સદા સુખી હોય છે; એટલે તેઓ કોઈને કંઈ આપવા ઇચ્છે કે ન ઇચ્છે, તેમની પાસેથી તો શાંતિ, આનંદ જ પ્રાપ્ત થાય છે. તેઓ તો મિત્ર-શત્રુ આદિ સંબંધોથી પર થઈ ગયા છે, પણ તેમને શત્રુ માનનાર તેમની પાસે આવે તો તે શત્રુ પણ મિત્રતાનું સૌરભ જ પ્રાપ્ત કરે છે.
-