________________
દ્રવ્ય-સામાંન્ય
વસ્તુ તો દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ ચારેયથી અખંડ છે. તેમાં ફક્ત સમજવા માટે આ ભેદો પાડવામાં આવ્યાં છે. ભેદના લક્ષથી વિકલ્પની ઉત્પત્તિ થાય છે, માટે તે ભેદોને ગૌણ કરવાના છે.
૨૫
કોઈપણ ચીજમાં ભેદ ન કરતાં તેને અભેદરૂપે જોવી તે સામાન્ય છે. જેમકે કેરીને તે લીલી છે. ખાટી છે, કઠણ છે આદિ ભેદ કર્યા વગર જોવી તે સામાન્ય છે. આ વાતને આપણે જ્ઞાન ઉપર ઘટિત કરીએ તો મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન અને કેવળજ્ઞાન-એ પાંચેયમાં જ્ઞાન...જ્ઞાન...જ્ઞાન તે સામાન્ય છે અને મતિ, શ્રુત આદિ વિશેષ છે. આ પાંચેય જ્ઞાનોમાં સામાન્યપણે જ્ઞાન જોઈએ તો એક જ છે અને મતિ, શ્રુત, અવધિ આદિ વિશેષો છે. આમ આ પાંચેય જ્ઞાનોમાંથી સામાન્યપણે જ્ઞાન કહીએ તો એક છે અને વિશેષપણે કહીએ તો મતિ આદિ અનેક (પાંચ) છે.
આપણે એમ પણ કહી શકીએ છીએ કે ગણિતનું જ્ઞાન, ઈતિહાસનું જ્ઞાન, ભૂગોળનું જ્ઞાન, સમયસારનું જ્ઞાન આદિ, તો શેયની અપેક્ષાએ વિશેષ જ્ઞાન અનંત પણ થઈ શકે છે, પરંતુ એ બધામાં જ્ઞાન તે તો સામાન્ય જ છે, એક જ છે.
એકેન્દ્રિય જીવ, બેઈન્દ્રિયજીવ, સંસારી જીવ, સિદ્ધ જીવ આદિમાં જીવ, જીવ, જીવ જે છે તે સામાન્ય છે અને એકેન્દ્રિય બેઈન્દ્રિય આદિ વિશેષ છે. આમ જ્યાં જીવ સામાન્ય છે ત્યાં સંસારી, સિદ્ધ આદિ વિશેષ છે. હવે જ્યારે તે સંસારી જીવ સામાન્ય છે, ત્યારે તિર્યંચ જીવ, મનુષ્ય જીવ, દેવ જીવ, નારકી જીવ તે વિશેષ છે. તિર્યંચ જીવ સામાન્ય છે ત્યારે નિગોદના જીવ, સંજ્ઞી જીવ, અસંજ્ઞી જીવ આદિ વિશેષ છે. આ સામાન્ય અને વિશેષ ક્યાં સુધી ચાલશે તે જાણો છો ?