________________
૧૮ -
- દ્રષ્ટિનો વિષય
પાડવા એ વાત તો દૂર રહી પણ ગુણ અને ગુણીનો ભેદ પાડવા જાય ત્યાં પણ નિર્વિકલ્પ દશા થતી નથી. વસ્તુ અને એની શક્તિઓ એવો જે ભેદ તે દ્રષ્ટિનો વિષય નથી. દ્રષ્ટિનો વિષય તો અભેદ, અખંડ, એક જ્ઞાયક છે.. દ્રષ્ટિ પોતે પર્યાય છે પણ પર્યાય તે દ્રષ્ટિનું ધ્યેય નથી.”
દ્રષ્ટિના વિષયના સંદર્ભમાં પૂ. ગુરુદેવશ્રીના કથનોને વારંવાર ઉધૃત કરીને હું એ બતાવવા માગું છું કે મારા કથનો પૂ. ગુરુદેવશ્રીના કથનોથી મળતા નથી, એમ નથી.
* આ પ્રમાણે પૂ. ગુરુદેવશ્રીએ ગુણભેદના સંબંધમાં કહ્યું છે કે અનંતગુણાત્મક, અનંતધર્માત્મક ભગવાન આત્માના જ્ઞાન, દર્શન, ચારિત્ર, પ્રભુતા, સ્વચ્છતા આદિ અનંતગુણોને લક્ષમાં લેવાથી રાગ જ ઉત્પન્ન થાય છે. નવતત્વોના ભેદની વાત તો દૂર રહી, જો ગુણ-ગુણીનો ભેદ પણ ઊભો થશે તો નિર્વિકલ્પ દશા નહીં થાય. વસ્તુ અને એની શક્તિઓ-એવો ભેદ પણ દ્રષ્ટિનો વિષય બનતો નથી. દ્રષ્ટિનો વિષય તો અભેદ, અખંડ, એક જ્ઞાયકભાવ જ છે. દ્રષ્ટિ સ્વયં પર્યાય છે, તે પણ દ્રષ્ટિના વિષયમાં આવતી નથી, તે પણ ધ્યાનનું ધ્યેય બનતી નથી.
દ્રષ્ટિના વિષયમાં ગુણનો ભેદ, પ્રદેશનો ભેદ, કાળનો ભેદ આદિ કોઈ પણ ભેદ સામેલ નથી. લોકોને એમ લાગે છે કે ગુણો અને પ્રદેશોમાં માત્ર તેમનો ભેદ કાઢી નાખ્યો છે અને ગુણોને તથા પ્રદેશોને રાખી લીધા છે, જ્યારે પર્યાયોને દ્રષ્ટિના વિષયમાંથી સંપૂર્ણપણે કાઢી નાખી છે. અરે ભાઈ! એમ નથી. જે પ્રમાણે ગુણભેદને તથા પ્રદેશભેદને, તેઓ પર્યાયાર્થિકનયના વિષય હોવાથી, દ્રષ્ટિના વિષયમાંથી કાઢી નાખ્યાં છે; તે જ પ્રમાણે પર્યાયભેદને પણ દ્રષ્ટિના વિષયમાંથી તો કાઢી નાખ્યો છે; પરંતુ અનુસૂતિથી રચિત પર્યાયોનો પ્રવાહ તો દ્રષ્ટિના વિષયમાં સામેલ છે જ.
૧ પ્રવચન રત્નાકર ભાગ ૧, પાનું ૧૧૩-૧૧૪