________________
દ્રષ્ટિનો વિષય –
– ૧૭ ભાવાર્થમાં ઉઠાવાયેલા પ્રશ્નો અને તેના અપાયેલા ઉત્તરનું જે સ્પષ્ટીકરણ પૂ. ગુરુદેવે કર્યું છે, તે પણ દ્રષ્ટવ્ય છે :' ત્યારે અહીં શિષ્યને પ્રશ્ન થાય છે કે – પર્યાય પણ દ્રવ્યનો જ ભેદ છે, અવસ્તુ તો નથી; તો તેને વ્યવહાર કેમ કહી શકાય ? પ્રથમ શિષ્યનો પ્રશ્ન બરાબર સમજવો જોઈએ. ભેદ જે પર્યાય છે તે દ્રવ્યનો જ પોતાનો અંશ છે, અવસ્તુ એટલે કે પરવસ્તુ તો નથી. જેમ શરીર પર છે, કર્મ પર છે. એમ પર્યાય પર છે એમ નથી. પર્યાય તો સ્વદ્રવ્યનો અંશ છે તેથી સ્વવસ્તુ છે, પોતાની છે, પોતામાં છે, નિશ્ચય છે. તો તેને વ્યવહાર કેમ કહેવાય ? ભાષા તો સાદી છે, પણ ભાવ ઘણો ઊંડો છે, ભાઈ ! અહો! જુઓને પંડિત જયચંદજીએ કેવો સરસ ખુલાસો કર્યો છે !
તેનું સમાધાન - એ તો ખરું છે. પર્યાય વસ્તુનો જ ભેદ છે પણ અહીં દ્રવ્યદ્રષ્ટિથી અભેદને પ્રધાન કરીને ઉપદેશ છે.
દ્રવ્ય અને પર્યાય બન્ને આત્માની ચીજ છે. પર્યાય છે તે પણ વસ્તુ છે, અવસ્તુ નથી. પરંતુ અહીં પર્યાયદ્રષ્ટિ છોડાવીને દ્રવ્યદ્રષ્ટિ કરાવવાનું પ્રયોજન છે. તેથી અભેદને મુખ્ય કરી ઉપદેશ છે. અભેદદ્રષ્ટિમાં ભેદને ગૌણ કરવાથી જ અભેદ સારી રીતે માલૂમ પડી શકે છે. તેથી ભેદને ગૌણ કરીને તેને વ્યવહાર કહ્યો છે. અહીં ભેદને ગૌણ કરીને એટલે અભાવ કરીને એમ નહીં, પણ ભેદને અમુખ્ય રાખીને એટલે કે ભેદનું લક્ષ છોડીને તેને વ્યવહાર કહ્યો છે. વ્યવહાર કહો કે અસત્યાર્થ કહો; પર્યાયને ગૌણ કરીને અસત્યાર્થ કહી છે, અભાવ કરીને નહીં.
અહીં એવો અભિપ્રાય છે કે ભેદદ્રષ્ટિમાં નિર્વિકલ્પ દશા થતી નથી. અનંત ગુણોનો ધરનાર ધર્મ એવો જે અભેદ આત્મા તેમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, પ્રભુતા, સ્વચ્છતા એવા અનંત ગુણોના ભેદ જો લક્ષમાં લેવા જશે તો રાગ ઉત્પન્ન થશે, સમ્યગ્દર્શન નહીં થાય. નવ તત્વના ભેદ