________________
ભૂમિકા
જેમ પરપતિના સંયોગથી થયેલું સંતાન અપમાનનું કારણ બને છે, દુઃખનું કારણ બને છે, તેને પોતાનું માનવા કોઈ તૈયાર હોતું નથી; પરંતુ સ્વપતિના સંયોગથી થયેલા સંતાનને સૌ કોઈ પોતાનું માને છે, સન્માન આપે છે અને તે સંતાન માતાનું ગૌરવ વધારે છે. તેવી જ રીતે આપણી વિકારી પર્યાય જે પરના સંયોગથી પેદા થઈ છે, પરના લક્ષે પેદા થઈ છે, તે પોતાની માનવાલાયક નથી, પરંતુ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પર્યાય-સ્વપતિના સંયોગની જેમ પોતાના લક્ષથી પેદા થઈ છે તેથી તે આપણી જ છે.
હવે દ્રષ્ટિના વિષયરૂપ પ્રતિમાને કોતરવા એક પગલું આગળ જઈએ છીએ. આ જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની નિર્મળ પર્યાય છે, અરહંત દશા છે, સિદ્ધ દશા છે; તે પણ હું નથી, કારણ કે હું તો અનાદિ અનંત છું. જો હું આ નિર્મળ પર્યાયને મારામાં સામેલ કરીશ તો મારું જે અનાદિઅનંત સ્વરૂપ છે, તે ખંડિત થઈ જશે, તેથી હું તે-પર્યાયોથી પણ રહિત છું. આમ (અનુપચરિત સદ્ભૂતવ્યવહારનયના વિષયભૂત) સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર આદિ નિર્મળ પર્યાયોનો પણ દ્રષ્ટિના વિષયમાં સમાવેશ થતો નથી.
આમ સ્ત્રી, પુત્ર, મકાન, જાયદાદ તથા શરીરાદિ અને વિકારી તથા અવિકારી પર્યાયો પણ જેમાં નથી એવા દ્રષ્ટિના વિષય ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માની વાત તો સામાન્ય રીતે બધા મુમુક્ષુઓ જાણે છે, પરંતુ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવવાળા દ્રષ્ટિના વિષયની વાત બહુ ઓછા લોકો જાણે છે, તેથી તેઓને આ વિષે મુંઝવણ થાય તે સ્વાભાવિક છે.
આ મુંઝવણનું કારણ એ છે કે દ્રષ્ટિના વિષયમાંથી જે પર્યાયને કાઢવામાં આવી છે, તે પર્યાયનો વાસ્તવિક અર્થ શું છે ? શું તેનો અર્થ ફક્ત રાગદ્વેષમોહાદિની વિકારી પર્યાય અને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની નિર્મળ પર્યાય જેટલો જ છે ? ભાઈ ! એનો અર્થ એટલો જ નથી, પરંતુ તેનાથી પણ વધુ છે.