________________
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
જેમકે–સર્વજ્ઞની આજ્ઞાનું પ્રમાણ કરી તેનું સમ્યક ચિંતન કરવું તે આજ્ઞાવિચય ધર્મધ્યાન. જ્ઞાનીના આજ્ઞારૂપ માર્ગ છોડી ઉન્માર્ગે જતા જીવને પ્રાપ્ત થતા અપાયનું ચિંતન કરવું તે અપાયરિચય ધર્મધ્યાન. ચર્તુગતિમાં ભ્રમણ કરતા જીવને ભોગવવા પડતા કર્મના દારૂણ ધપાકનું ચિંતન કરવું તે વિપાકવિચય ધર્મધ્યાન. પુરુષાકાર લોકનું સ્વરૂપ વિચારી તેના રહસ્યનું ચિંતન કરવું તે સંસ્થાનવિય ધર્મધ્યાન. આત્માથી અન્ય સર્વ દ્રવ્યોનું પૃથકપણું-ભિન્નપણું ચિંતવવું, શુદ્ધ એક આત્માનું શુદ્ધપણું ધ્યાવતાં શુક્લ-શુદ્ધ આત્મધ્યાનની શ્રેણીએ ચઢવું, ઇત્યાદિ પ્રકારે શુક્લધ્યાન. કાયોત્સર્ગ-કાયાનો ઉત્સર્ગ, ત્યાગ તે કાયોત્સર્ગ, હું આ દેહ નથી ને આ દેહ મારો નથી એમ સમજી, તેના અહંત્વમમત્વનો ત્યાગ કરી દેહને વોસરાવી દેવો, ‘અપ્પા વોસિરામિ' કરવું તે કાયોત્સર્ગ. અથવા તેવી દેહ છતાં દેહાતીત કાયોત્સર્ગ દશાએ વર્તતા અહંત ભગવંતોના ધ્યાન-અવલંબને તેવી શુદ્ધ આત્મઅનુભવ સ્થિતિનો અભ્યાસ કરવો તે પણ કાયોત્સર્ગ. આ કાયોત્સર્ગ પરમોત્કૃષ્ટ આત્યંતર તપ છે, સર્વ તપની કલગીરૂપ છે. આમ છ પ્રકારે આત્યંતર તપ છે, અને તે મુખ્ય છે.
બાહ્ય તપ આ આત્યંતર તપને ઉપકારી-સહાયકારી થાય છે, એટલે તે પણ યથાશક્તિ અવશ્ય કર્તવ્ય છે જ, પણ-તન-મનવચનની સ્કૂર્તિ સર્વથા હણાઈ જાય એમ ગજા ઉપરવટ થઈ ને કે ક્રિયાજડપણે તો નહિ જ. આ ઉપવાસ વગેરેમાં પણ જેમ બને તેમ વિષયકષાયનો ત્યાગ કરી, સ્વાધ્યાયાદિ આવ્યંતર તપની વૃદ્ધિ ભણી નિરંતર લક્ષ રાખવો જોઈએ, ને જેમ બને તેમ આત્માની ઉપ-પાસે વાસ કરવાનો પ્રયાસ કરવો જોઈએ; તો જ તે ખરેખરો ‘ઉપવાસ' કહી શકાય, નહિ તો લાંઘણ જ છે! કારણકે આત્મસ્વરૂપના લક્ષ વિનાનું કેવલ કાયક્લેશરૂપ તપ તે બોલતપ અથવા અજ્ઞાન તપ છે. માટે ત૫ જ્ઞાનપૂર્વક હોય તો જ વાસ્તવિક કલ્યાણ છે. એટલે જ શાસ્ત્રમાં સ્પષ્ટ કહ્યું છે કે-દેહથી ભિન્ન એવા આત્મસ્વરૂપને નથી જાણતો એવો અજ્ઞાની કોડ વર્ષ તપ કરતાં પણ જે કર્મ ક્ષીણ કરી શકતો નથી, તે જ્ઞાની એક શ્વાસોચ્છવાસ માત્રમાં પણ કરે છે.