________________
બેસવું, ઇંદ્રિયોનો વ્યાપાર રોધવો તે. જેમકે-રૂપથી મોહિત થઈ દૃષ્ટિ તે પ્રત્યે જતી હોય તેને જવા ન દેવી, છાનીમાની બેસાડી દેવી, અંદરમાં સંલીન કરવી. આમ છ પ્રકારે બાહ્ય તપ છે. આ તપની તાલીમથી, સમજણપૂર્વક શરીરને કસવાથી, રીઢું કરવાથી સુંવાળાપણું, સુખશીલિયાપણું ટળે છે; અને ક્વચિત દુ:ખ કષ્ટ આવી પડશે તે સમભાવે સહવાની શકિત વધે છે,–જેથી આત્મસ્થિરતાને બાધ આવતો નથી.
પ્રાયશ્ચિત્ત-પાપને છેદે તે પ્રાયશ્ચિત્ત અથવા પ્રાયે ચિત્તને શોધે તે પ્રાયશ્ચિત. પોતાના થયેલા દોષ માટે તીવ્ર પશ્ચાત્તાપ કરી, તે પુન: ન થાય એવી દઢ ભાવનાથી, તેની શુદ્ધિ અર્થે સરુએ આપેલો અથવા પોતે પોતાના પર નાંખેલો શિક્ષારૂપ દંડ પરમ ચિત્તપ્રસન્નતાથી માથે ચઢાવવો તે પ્રાયશ્ચિત્ત. આલોચના, મિથ્યા દુષ્કૃત, પ્રતિક્રમણ આદિ એના અનેક પ્રકાર છે. ખરા અંત:કરણ પશ્ચાતાપરૂપ પાવકથી ઘણા નિબિડ પાપકર્મો પણ ભસ્મીભૂત થાય છે.
વિનય-દર્શનવિનય, જ્ઞાનવિનય, ચારિત્રવિનય અને ઉપચાર વિનય એમ વિનય ચાર પ્રકારનો છે. વૈયાવૃન્ય-આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, શૈશ્ય, ગ્લાન (રોગા), તપસ્વી, કુલ, સંઘ આદિની વ્યાધિ આદિ આવી પડયે નિષ્કામભાવે વૈયાવચ્ચ-સેવાસુશ્રુષાકરવી તે વૈિયાવૃન્ય. સ્વાધ્યાય અથવા સજઝાય-દેહમાં આત્મબુદ્ધિરૂપ દેહાધ્યાસ છોડી આત્મામાં આત્મબુદ્ધિનો અભ્યાસ કરવો, આત્મભાવના ભાવવી તે સ્વાધ્યાય. અથવા તેવી આત્મભાવનાને પુષ્ટ કરે એવા અધ્યાત્મ ગ્રંથો વાંચવા વિચારવા; વૈરાગ્ય-ભક્તિવાહી પદો, ભજનો, સ્તવનો ગાવા, લલકારવા; તત્ત્વપૃચ્છા કરવી; નિરભિમાનપણે જાણે પોતાના આત્માને ઊંચેથી બોધ દેતા હોય એવી રીતે ધર્મકથા-વ્યાખ્યાન કરવું,-એ વગેરે સ્વાધ્યાયના પ્રકાર છે.
ધ્યાન-સતુતત્વચિંતનમાં એકાગ્રપણે ચિત્તનો વિરોધ કરવો તે ધ્યાન અથવા યોગ. મુમુક્ષુએ આર્ત-રૌદ્ર ધ્યાન છોડી ધર્મધ્યાન ને શુક્લધ્યાન એ બે પ્રશસ્ત ધ્યાન જ ધ્યાવવા યોગ્ય છે.