________________
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
કારણકે ભ્રાંત મન એ જ સર્વ કલેશનું ને શા મન એ જ સર્વ આનંદનું મૂળ છે. વિકલ્પાકુલ મન એ જ સર્વ દુ:ખની ભૂમિ ને નિર્વિકલ્પ મન એ જ સર્વ સુખની ભૂમિ છે. પ્રતિકૂળ મન એ જ પરમ શત્રુ ને અનુકૂળ મન એ જ પરમ મિત્ર છે. દુષ્ટ અધ્યવસાયવાળું મન એ જ નરક ને શિષ્ટ અધ્યવસાયવાળું મન એ જ સ્વર્ગ છે. રાગાદિ ક્લિષ્ટ વાસનાથી વાસિત મન એ જ સંસાર ને તેથી નિવસિત મન એ જ મોક્ષ છે. મન એ જ બંધનું ને મન એ જ મોક્ષનું કારણ છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિને ક્ષણવારમાં નરકગમનયોગ્યતા કરનારું અને ક્ષણવારમાં કેવલજ્ઞાન પમાડનારૂ આ મન જ હતું. મન એ જ કલ્પવૃક્ષ ને મન એ જ કંટકવૃક્ષ છે. મન એ જ કામધેનુ ને મન એ જ નિષ્કામધેનું છે. મને એ જ ચિંતામણિ ને મન એ જ દુશ્ચિતામણિ છે. અસદ્ ઉપયોગથી અવશ મન એ જ વિષ વમનાર વિષધર ને સઉપયોગથી વશ મન એ જ અમૃત ઝમનાર અમૃતઝર છે. આત્માની અમૂલ્ય શક્તિઓ મનોભ્રાંતિને લીધે વેરણછેરણ થઈ વેડફાઈ જાય છે તે ન વેડફાઈ જવા દેવા માટે વિચક્ષણ પુરુષે આ ઉત્તમ ચિત્તરત્નનું યત્નથી જતન-ગોપન કરવા યોગ્ય છે.
પણ મન એ ઘણી ચંચલ વસ્તુ છે, “વાયુની જેમ તેનો નિગ્રહ કરવો દુષ્કર છે.” મન એ કલ્પનારંગની પાંખે ઉડી ક્ષણમાત્રમાં લાખો યોજનાની મુસાફરી કરી આવનાર પવનવેગી તુરંગ છે. દિશાના કે કાળના બંધન જેને નડતા નથી એવો તે અપ્રતિબદ્ધવિહારી છે. “મનડું કિમહી ન બાઝે”. રાત હોય કે દિવસ હોય, વસતિ હોય કે ઉજ્જડ હોય, ગમે ત્યારે ને ગમે ત્યાં આ મન ઘડીકમાં આકાશમાં ને ઘડીકમાં પાતાલમાં ગમન કરે છે. મુકિતના અભિલાષી એવા મહાતપસ્વીઓ જ્ઞાન-ધ્યાનનો અભ્યાસ કરે છે, ત્યાં તો આ દુશ્મન જેવું મન કંઈક એવું ચિંતવે છે કે જેથી તે અવળે પાસે નાંખી દે છે! મોટા ‘આગમધર’ કહેવાતા લોકોના હાથે પણ આ મનડું મદોન્મત્ત હાથીની જેમ અંકુશમાં આણી શકાતું નથી. આ ‘મનડું' છે તો નપુંસકલિંગી, પણ તે “સકલ મરદને ઠેલે” છે, – ઠેબે ચડાવે છે. બીજી વાત તો પુરુષ સમર્થ છે, પણ આ નપુંસક મનડાને કોઈ જેર કરી શકતું નથી! આમ મનડું કોઈ રીતે બાઝતું નથી–એવો જાણે એનો ભ્રાંતિમય સ્વભાવ પડી ગયો છે!