________________
૫૦.
પ્રશાવબોધ મોક્ષમાળા
કૃતજ્ઞશિરોમણિ હરિભદ્ર પોતાને “યાકિનીમહત્તરાસૂન' તરીકે ઓળખાવવા લાગ્યા. કુશાગ્રબુદ્ધિના સ્વામી હરિભદ્ર અલ્પ સમયમાં જિનાગમના પારગામી થયા ને તેને યોગ્ય જાણી ગુરુએ સ્વપદે સ્થાપન કર્યા.
તેમના બે મહાબુદ્ધિમાન શિષ્યો હંસ અને પરમહંસ તે સમયની ધાર્મિક અસહિષ્ણુતાનો ભોગ બન્યા. એટલે આવા બે ઉત્તમ શિષ્યરત્નોના વિરહથી શોકમગ્ન થયેલા હરિભદ્ર સૂરિને ક્ષણિક આવેશરૂપ કોપ વ્યાપ્યો; પણ તેમના ગુરુએ પાઠવેલી 'ગુણસે સિમ્મા' છે. ત્રણ ગાથાથી તેનું તત્પણ શમન થયું, અને તેમને પારાવાર પશ્ચાત્તાપ થયો અને પ્રાયશ્ચિત યાચ્યું. પછી શિષ્યસંતતિનો વિરહ જેને વેદાતો હતો અને આવા દુખમય સંસારસ્વરૂપ પ્રત્યે તીવ્ર વૈરાગ્યથી જે “ભવવિરહ' ગવેષતા હતા, એવા આ ભાવિતાત્મા મહામુમુક્ષુ તીવ્ર સંવેગરંગી શ્રીહરિભદ્રાચાર્ય, “શાસ્ત્રસંતતિ' ના સર્જનાર્થે, અનુપમ આશ્ચર્યકારી પુરુષાર્થથી પ્રવૃત્ત થયા. ગુરુએ જે ત્રણ બીજભૂત ગાથા મોકલી હતી તે પરથી તેમણે વિસ્તારથી સંગરંગતરંગિણી સમી સમરાદિત્ય મહાકથા રચી. અને તદુપરાંત માત્ર માનસિક ક્ષણિક કોપાવેશના પ્રાયશ્ચિત અર્થે આ સાધુચરિત અતિ ભવભીરુ મુમુક્ષુ મહાત્માએ શ્રી યોગદષ્ટિસમુચ્ચય આદિ ચૌદસો (૧૪૦૦) પ્રકરણ ગ્રંથોનું અનન્ય અતુલ સર્જન કર્યું! પોતાને વેદાયેલો સશિષ્ય વિરહ અને પોતે ઝંખેલો ભવવિરહ તેમણે આ પોતાની ‘ચિરંજીવ’ શાસ્ત્રસંતતિમાં ‘વિરહ' અંકથી અમર કરેલો દશ્ય થાય છે. સુશિષ્ટ અને સુમિષ્ટ શૈલીથી ઉત્તમ ક્લામય રીતે સુંદર શબ્દચિત્રમાં ગૂંથેલો એમનો એકેક ગ્રંથ આ મહા નિગ્રંથ મુનીશ્વરનું અદ્ભુત ગ્રંથનિર્માણકૌશલ્ય દાખવે છે. આમ ચૌદસો જેટલા મહાન ગ્રંથરાશિનું મૌલિક સર્જન કરનારા આ અક્ષરદેહે અમર એવા મહર્ષિ હરિભદ્રસૂરિ અસાધારણ કોટિના સાહિત્યસ્વામી, વિરાટ કવિ બ્રહ્મા અને મહાનું આર્ષદૃષ્ટા થઈ ગયા.