________________
સમગદર્શન-ભાગ ૧
સંસાર પ્રત્યે ખેદ હોય અને અંતમાં દયા વર્તે, ત્યારે આ સુપાત્ર જિજ્ઞાસુ જીવને જો સદગુરુનો સદ્ગોધ પ્રાપ્ત થઈ પરિણમે, તો તે અંતશુદ્ધિ પામે ને તેનું આત્મબળ વધતું જાય. એટલે પછી તે અપૂર્વ આત્મપરિણામરૂપ ભાવઉલ્લાસ પામી. “અપૂર્વકરણ' અર્થાત્ અપૂર્વ આત્મસામર્થ્યવિશેષ પામે છે,-કે જેથી ગ્રંથિભેદ કરી જીવ અંતર્મુહૂર્તમાં દર્શનમોહના ઉપશમથી અવશ્ય સમ્યગદર્શન પામે છે. આમ ગ્રંથિભેદ કરી, આત્માનુભૂતિરૂપ સમ્યગ્રદર્શનની પ્રાપ્તિથી જેને પરમ આનંદોલ્લાસ ઉપજ્યો છે, એવા સમ્યગદષ્ટિ યોગી પુરુષના આવા સહજ અનુભવ ઉદ્ગાર નીકળી પડે છે,– ‘અનંતકાળથી જે જ્ઞાન ભવહેતુ થતું હતું તે જ્ઞાનને એક સમયમાત્રમાં જાત્યંતર કરી જેણે ભવનિવૃતિરૂપ કર્યું તે કલ્યાણમૂર્તિ સમ્યગદર્શનને નમસ્કાર.” “હે સર્વોત્કૃષ્ટ સુખના હેતુભૂત સમ્યગદર્શન! તને અત્યંત ભક્તિથી નમસ્કાર હો!'
આમ કલ્પવૃક્ષ ને ચિંતામણિરત્ન કરતાં અધિક એવા આ સમ્યગદર્શનનો મહિમા જ્ઞાનીઓએ ખૂબ ખૂબ ગાયો છે. “ત્રણે કાળમાં, ત્રણે લોકમાં સમ્યકત્વ સમું પ્રાણીનું કંઇ શ્રેય નથી અને મિથ્યાત્વ સમું કંઈ અશ્રેય નથી.” સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે તેનો સંસાર પરિત્ત થઈ જાય છે. સમ્યકત્વ આવ્યા પછી વમે તો વધારેમાં વધારે અર્ધપુદ્ગલ-પરાવર્ત સંસાર હોય; અને ન વમે તો વધારેમાં વધારે પંદર ભવે અથવા ત્રણ ભવે કે તે જ ભવે પણ મોક્ષ પામે. (દોહરા) ભેદજ્ઞાન જ્યાં ઉપજે, ઉપજે તત્ત્વશ્રદ્ધાન;
આત્મજ્ઞાનમય તે નમું, સમક્તિ પરમ નિધાન.