________________
જંબૂ સ્વામી
૩૫
તેણે જીવ બચાવવાને સમીપમાં તૃણથી ઢંકાયેલો કૂવો હતો તેમાં ઝંપલાવ્યું. તે કૂવાના તટ પર એક વડનું ઝાડ હતું, તેની એક શાખા કૂવામાં લટકતી હતી તેને આલંબીને તે લટકી રહ્યો. હાથીએ કૂવાની અંદર સૂંઢ નાંખી, પણ તેને પકડી શક્યો નહિ. પછી તે લટકતા પુરુષે કૂવામાં નીચે દષ્ટિ દીધી તો મોટું વકાસી રહેલો મોટો અજગર દીઠો; ચારે બાજુએ નજર ફેરવી તો કાંડા મારતા ચાર ભયંકર ફણિધરો દીઠા. વળી તે વડની શાખાને છેદવા માટે કાળો ને ઘોળો એમ બે ઉદરડા કર્કઃ અવાજ કરી રહ્યા હતા. હવે તે પુરુષને નહિ પહોંચી શકવાથી તે હાથીએ તે શાખાને જોરથી પ્રહાર કરવા માંડયા. એટલે તે હાલકડોલક થતી શાખામાંથી મધમાખીઓ મધપૂડો છોડીને ઊડવા માંડી અને તીક્ષ્ણ મુખોથી તે પુરુષને. સર્વ અંગે કરડવા લાગી ત્યાં વડ પર રહેલા મધપૂડામાંથી મધુબિન્દુ તેના લલાટ પર ટપક્યું ને નીચે ઉતરી તેના મુખમાં પેઠું. એટલે તે મધુબિન્દુનો આસ્વાદ પામી, આહા! કેવું મીઠું! એમ દુ:ખસાગર મધ્યે સ્થિત મૂર્ખશિરોમણિ મહતસુખ માનવા લાગ્યો!!
હે પ્રભવ! તું આ દષ્ટાંતનો પરમાર્થ સાંભળ : સંસારી જીવરૂપ પુરુષ છે. તે સંસાર અટવીમાં ભમી રહ્યો છે. મૃત્યુરૂપ હાથી તેની પાછળ પડયો છે. તે પુરુષે મનુષ્ય જન્મરૂપ કૂવામાં ઝંપલાવ્યું ને આયુષ્યરૂપ વટશાખામાં તે લટકી રહ્યો છે. જરાક પ્રમાદથી ચૂક્યો કે નીચે નરકરૂપ અજગર ગળી જવા ટાંપીને બેઠો છે. ચારે બાજુ કોધાદિ ચાર કષાય ફણિધરો સવા માટે ફૂંફાડા મારી રહ્યા છે. શુક્લપક્ષ ને કૃષ્ણપક્ષ એમ બે કાળા ઘોળા ઉદરડા તે જીવનું આયુષ્ય ક્ષણે ક્ષણે કાતરી રહ્યાં છે. વ્યાધિઓરૂપ મક્ષિકાઓ તેને પ્રતિઅંગે ડંખ મારી રહી છે. આમ દુઃખના દરીયામાં સુખના ટપકારૂપ મધુબિંદુ તે વિષયસુખ છે. તેમાં ક્યો સુબુદ્ધિમાન રંજે? હવે હે મિત્ર! જો કોઈ દેવ કે વિદ્યાધર તે કૂવામાંથી ઉદ્ધાર કરે તો તે દુર્ભાગી પુરુષ તેમ ઇચ્છે કે નહિ? પ્રભવે કહ્યું–તે તારનારને કેમ ન ઈચ્છે? જંબૂએ કહ્યું- તો હું ગણધર દેવ જેવા પરમ તારક સદ્ગુરુ મળ્યા છતાં ભવસાગરમાં કેમ નિમજું? ઈત્યાદિ પ્રકારે સંવેગરંગી જંબૂકમારે પ્રભવના મનનું સમાધાન કર્યું, એટલે તે પણ પ્રતિબોધ પામી દીક્ષા લેવા તત્પર થયો.