________________
જિનભાવના
૨૬૩
અવ્યક્ત-શક્તિપણે રહ્યું છે. આમ કર્મઆવરણરૂપ ઔપાધિક ભેદને લીધે ભગવાનમાં અને આત્મામાં અંતર પડ્યું છે; જીવ અને શિવનો ભેદ પડ્યો છે. પણ મૂળ સ્વરૂપદષ્ટિથી તે બન્નેમાં કંઈ પણ ભેદ નથી. જેવું ‘અનંત સુખસ્વરૂપ’ તે જિનપદ છે, તેવું જ આ ‘મૂળ શુદ્ધ તે આત્મપદ' છે આ જિનપદ ને નિજપદની એકતા છે, એ લક્ષ થવાને માટે જ સુખદાયક એવા સર્વ શાસ્ત્રનું નિરુપણ છે, અને એ જ આ ભક્તિમય જિનભાવનાનું પ્રયોજન છે. ‘જિનપદ નિજ પદ એકતા ભેદભાવ નહિ કાંઈ; લક્ષ થવાને તેહનો, કહ્યાં શાસ્ત્ર સુખદાયિ.” એટલે એવા અનંત સુખસ્વરૂપ મૂળ શુદ્ધ તે આત્મપદને જે ઇચ્છે છે તે જોગીજને તે સયોગી જિનપદની અખંડ એકનિષ્ઠાથી આરાધનાભાવના અવશ્ય કરવી જોઈએ.
અત્રે ઘેટાના ટોળામાં ચિરકાળથી વસેલા સિંહશિશુનું દષ્ટાંત ઘટે છે. કોઈ સિંહનું બચ્ચું જન્મથી માંડી ઘેટાના ટોળામાં વસ્યું છે, ઉછર્યું છે, અને ચિરસંવાસથી તે પોતાને ઘેટું જ માની બેઠું છે. ત્યાં કોઈ સિંહ દેખાય છે તેને દેખી તે સિંહશિશુ ધારી ધારી તેનું રૂપ જુએ છે અને પાછું પોતાનું સ્વરૂપ નિહાળે છે, તો બન્નેનું સ્વરૂપ સમાન દેખાય છે, અને તેને ભાન થાય છે કે હું ઘેટું નથી, પણ સિંહશિશુ છું. તેમ આ આત્મા પણ અનાદિકાળથી પરભાવના સંવાસમાં વસેલો છે, અને પોતાને પરરૂપ જ માની બેઠો છે. તેને સમાધિરસભર્યા સ્વરૂપસિદ્ધ પ્રભુના દર્શનથી-ભાવનથી ચિરવિસ્મૃત નિજ સ્વરૂપનું ભાન થાય છે. અને આમ તે જિન સમ સ્વરૂપ સત્તા ઓળખે છે, એટલે તેના પ્રગટ આવિર્ભાવની ઇહા-ઇચ્છા તેને પ્રગટે છે કે આવું જિન ભગવાન જેવું પરમાનંદમય શુદ્ધ આનંદઘન સ્વરૂપ મને પ્રગટે તો કેવું સારૂં? એવી અંતરંગ રુચિરૂપ તીવ્ર ઇચ્છાથી તે પરપરિણતિમાં નિરીહ-નિષ્કામ બની આત્મપરિણામ ભણી વળે છે.
અને પછી એવો તે અંતરાત્મા આદર્શ પરમાત્મસ્વરૂપની સાધના કરે છે. જેવો ઉપાસ્ય આદર્શ તેવી સિદ્ધિ થાય છે. કુશલ શિલ્પી જેમ આદર્શને (Model) નિરંતર દસિમ્મુખ રાખી પોતાની કલાકૃતિ ઘડે