________________
આત્મભાવના
૨૬૧
અને આ આત્મા તે હું એમ આત્મામાં જ આત્મભાવના તે વિદેહપ્રાપ્તિનું બીજ છે. એટલા માટે મુમુક્ષુએ આત્મભાવનાનો એવો દઢ અભ્યાસ કરવો યોગ્ય છે, કે જેથી કરીને પુન: સ્વપ્ન પણ દેહમાં આત્મબુદ્ધિ ઉત્પન્ન ન થાય. જેમકે –
હું આ દેહાદિ સમસ્ત પરવસ્તુથી ભિન્ન એવો ઉપયોગવંત શુદ્ધ ચૈતન્યસ્વરૂપી અવિનાશી અજર અમર આત્મા છું. આ નાશવંત દેહાદિ ભાવ તે હું નથી. વસ્ત્ર નષ્ટ થતાં દેહ નષ્ટ થતો નથી, તેમ દેહ નષ્ટ થતાં હું નષ્ટ થતો નથી. વસ્ત્ર જીર્ણ થતાં દેહ જીર્ણ થતો નથી, તેમ દેહ જીર્ણ થતાં હું જીર્ણ થતો નથી. માટે દેહથી વસ્ત્ર જૂદું છે, તેમ દેહથી હું જૂદો છું. માનથી તલવાર જૂદી છે, તેમ આ દેહથી હું જૂદો છું. દૂધ ને પાણી હંસ જૂદા અનુભવે છે, તેમ હું આ ચૈતન્યસ્વરૂપ આત્માને દેહથી પ્રગટ જૂદો અનુભવું છું. જે દેહમાં દૂધ ને પાણીની જેમ એકત્રાવગાહપણે આ આત્મા રહ્યો છે, તે દેહથી પણ આ આત્મા જો ભિન્ન છે, તો પછી દેહ સિવાયની બીજી બધી વસ્તુઓથી તો આ આત્મા અત્યંત અત્યંત ભિન્ન હોય એમાં પૂછવું જ શું? ચિત્રશાળા ન્યારી છે, તેમાં પલંગ ન્યારો છે, તેમાં સેજ ન્યારી છે, તેની પર બીછાવેલી ચાદર પણ ન્યારી છે. આવો પરવસ્તુ સાથેનો મારો સંયોગસંબંધ છે, એમાં મારી આત્મબુદ્ધિરૂપ સ્થાપના કરવી જૂઠી છે.
માટે હું આ દેહાદિ ભાવનો નથી ને આ દેહાદિ ભાવ મારા નથી. આ અનાદિ સંસારમાં આ જીવે અનંત દેહપર્યાય ધારણ કર્યા, તેમાં કયો દેહ આ જીવનો ગણવો? જે દેહપર્યાયને આ જીવ મિથ્યા દેહાધ્યાસથી પોતાનો માનવા જાય છે, તે દેહ તો ખલજનની માફક દગો દઈ ને તેનો ત્યાગ કરીને ચાલ્યો જાય છે! ને આ જીવ મેંઢાની જેમ ‘મેં ' (મારૂં મારૂ) કરતો હાથ ઘસતો રહે છે! આ વહાલામાં વહાલો દેહ પણ જ્યાં જીવનો થતો નથી, તો પછી આ દેહને આશ્રયે દેહ હોઈ ને રહેલી એવી અન્ય પરિગ્રહરૂપ વળગણા તો તેની કયાંથી થાય? માટે આ સમસ્ત પરવસ્તુમાં પરમાણુમાત્ર પણ મારું નથી, એની સાથે મારે કંઈપણ લેવાદેવા નથી.