________________
પ્રત્યક્ષ અને પરોક્ષ
૨૩૧
કેવલજ્ઞાનસ્વરૂપ આત્મચંદ્ર ગમે તેટલા ગાઢ કર્મ પટલના આવરણથી આવૃત હોય, તોપણ તેની કાંઈ ને કાંઈ ઝાંખી થયા વિના રહેતી નથી, તેની કંઈ ને કંઈ જ્ઞાન-જ્યોન્ઝા ડોકીઉં કરી ચૈતન્યસ્વરૂપનો ખ્યાલ આપ્યા વિના રહેતી નથી. એટલા માટે જ અક્ષરના અનંતમાં ભાગ જેટલો કેવલજ્ઞાનનો ભાગ નિત્ય ઉઘાડો જ રહે છે એમ શ્રી નંદીસૂત્રમાં કહ્યું છે. નહિ તો તે પણ જો અવરાઈ જાય તો જીવ અજીવપણાને પામી જાય. એટલે છદ્મસ્થને કેવલજ્ઞાનાવરણને લીધે જોકે જ્ઞાનનો પૂર્ણ પ્રકાશ પ્રાપ્ત થતો નથી, તોપણ અંશ-પ્રકાશરૂપ મંદ પ્રકાશ તો સદાય અવશ્ય દશ્યમાન હોય જ છે. અને તે મંદ પ્રકાશનું કારણ પણ પ્રસ્તુત કેવલજ્ઞાનાવરણ જ છે. આમ કેવલજ્ઞાનાવરણરૂપ એક જ કારણને લીધે પૂર્ણ પ્રકાશરૂપ કેવલજ્ઞાન ઉપજતું નથી, અને મંદ પ્રકાશરૂપ છદ્મસ્થિક જ્ઞાન ઉપજે છે.
આ મંદ પ્રકાશમાં પણ જે તરતમતા દેખાય છે, ચિત્રવિચિત્ર ભેદ દેખાય છે, તેનું કારણ મતિજ્ઞાનાવરણાદિ ઇતર કર્મ છે. વસ્ત્રના વિવરમાંથી કે ભતના વિવરમાંથી (છિદ્રમાંથી) દેખાતા અભ્રાચ્છાદિત સૂર્યના મંદ પ્રકાશમાં પણ તરતમતા હોય છે, તેમ અંતરાલમાં રહેલા મતિ આદિ ઇતર જ્ઞાનાવરણ કર્મને લીધે કેવલજ્ઞાનાવરણાચ્છાદિત આત્માના જ્ઞાનરૂપ મંદ પ્રકાશમાં પણ તરતમતા હોય છે; અને તેથી કરીને મતિ-અવધિ આદિ તે તે જ્ઞાનાવરણ કર્મોના ક્ષયોપશમના અનંત ભેદથી મતિ-અવધિ આદિ પરોક્ષ-પ્રત્યક્ષ જ્ઞાનના અનંત ભેદ જન્મે છે. ગમે તેમ હો, પણ આત્મચંદ્રની ચંદ્રિકાનો કંઈ ને કંઈ પ્રકાશ અવશ્ય અનાવૃત હોય છે, આણઢાંક્યો જ રહે છે. એટલા માટે જ જ્ઞાન એ ચંદ્ર-સૂર્ય કે દીપકની પેઠે આત્માનો
સ્વપરઅવભાસક અસાધારણ વિશિષ્ટ ગુણ છે; અને તેના આવરણ દૂર થવા પ્રમાણે તે મતિ શ્રુતજ્ઞાનરૂપ પરોક્ષ પ્રકારે ને અવધિ મન:પર્યવકેવલરૂપ પ્રત્યક્ષ પ્રકારે વ્યક્ત થઈ, મોહરૂપ અજ્ઞાન અંધકારને નિવૃત્ત કરે છે.