________________
૨૧૮
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
ન્યાયનીતિ ને સુખશાંતિનું સામ્રાજ્ય ફેલાવ્યું. કુમારપાળની વિજ્ઞપ્તિથી શ્રી હેમચંદ્રાચાર્યે તેના સ્વાધ્યાયાર્થે વીતરાગસ્તવ અને યોગશાસ્ત્રનું નિરૂપણ કર્યું; તેમજ ત્રિષષ્ટિ શલાકાપુરુષ ચરિત્રનું રસમય મહાકાવ્ય ગૂંચ્યું. આવા રાજપૂજ્ય છતાં હેમચંદ્રાચાર્ય મહારાજે કદી પણ રાજપિંડ ગ્રહ્યો નહિ, એ એમની પરમ નિ:સ્પૃહિતાનું ઉત્તમ ઉદાહરણ છે.
તેમની મધ્યસ્થતા અને સર્વ ધર્મ પ્રત્યેનો સમભાવ અદ્ભુત હતા. એક વખત તેઓ વિહાર કરતાં સોમનાથ પાટણ પધાર્યા. રાજેન્દ્ર કુમારપાલ પણ ત્યાં આવ્યા હતા. વિરોધી જનોએ રાજાના કાન ભંભેર્યા– [-આ હેમચંદ્ર મહાદેવને નમશે નહિ. પણ હેમચંદ્રાચાર્યે તેમની આ ધારણા ખોડી પાડી. તેમણે તો સાષ્ટાંગ દંડવત્ કરી, મહાદેવનું સાચું સ્વરૂપ દર્શાવનારૂં મહાદેવસ્તોત્ર લલકાર્યું અને છેવટે ગાયું 3-'' भववीजाङ्कुरजनना रागादायः क्षयमुपागता यस्य । ब्रह्मा वा વિષ્ણુર્વા હરો નિનો વા નમસ્તસ્મૈ ।।'' અર્થાત્ ભવબીજાંકુર ઉત્પન્ન કરનારા રાગાદિ જેના ક્ષય પામી ગયા હોય, તે બ્રહ્મા હો, વિષ્ણુ હો, હર હો, વા જિન હો, તેને નમસ્કાર હો! વિરોધીઓ અને રાજા કુમારપાળ આદિ તો દિંગ જ થઈ ગયા.
હેમચંદ્રાચાર્ય આવા મહાન્ છતાં તેમની ગુણગ્રાહિતા, સરળતા ને નિર્માનિતા આશ્ચર્યકારક હતા. એક વખત તેઓ શત્રુંજયની યાત્રાર્થે ગયા હતા. ત્યાં ભગવાન ઋષભદેવજીની સન્મુખ આ નિરભિમાની મહાન્ આચાર્યે, એક ગૃહસ્થ કવિ-મહાકવિ . ધનપાલકૃત ઋષભપંચાશિકા અપૂર્વ ભાવથી ગાઈ;અને બાણ કાદંબરીને આંટી ઘે એવી તિલકમંજરી મહાક્થાના સર્જક આ મહાકવિ ધનપાલ પંડિતની આ કાવ્યકૃતિ તો પદે પદે કેવો અદ્ભુત ભક્તિરસ નિર્ઝરે છે, એમ ભક્તો સમક્ષ તેની ભારોભાર પ્રશંસા કરી, પોતાનું અનુપમ ગુણગ્રાહિપણું દાખવ્યું; અને ગૃહસ્થની સુકૃતિ પ્રત્યે ગુણપ્રમોદ દાખવવાને બદલે મત્સરથી મુખ મચકોડનારાઓને ભવિષ્યમાં ધડો લેવા યોગ્ય દાખલો પૂરો પાડયો.