________________
૧૪૨
પ્રશાવબોધ મોક્ષમાળા
પાષાણમાં, વનમાં કે ભવનમાં સર્વત્ર અનંત સમતા હોય છે. સુખમાં તે મગ્ન થતા નથી કે દુ:ખમાં તે ભગ્ન થતા નથી; પણ “સુખદુખરૂપ કરમફલ જાણો, નિશ્ચય એક આનંદો રે,” એમ જાણી સુખદુ:ખ સમભાવે વેદતા તે સ્થિતપ્રજ્ઞ જ્ઞાની તો સદા નિજાનંદમાં જ નિમગ્ન રહે છે. હર્ષના પ્રસંગથી તેમનું મુખ મલકાતું નથી કે શોકના પ્રસંગથી
પ્લાનિ પામતું નથી. સંપત્તિથી ફૂલાઈ તે છાકી જતા નથી કે આપત્તિથી દબાઈ તે દીનતા ભજતા નથી. તુચ્છ તણખલું હોય કે મહામૂલ્યવાન રત્ન હોય, માટીનું ઢેકું હોય કે સોનાનો મેરુ હોય, રજકણ હોય કે વૈમાનિક દેવની ઋદ્ધિ હોય, પણ જ્ઞાની તો તે સર્વને એક પુદ્ગલસ્વભાવી માની સમભાવ જ ધરે છે. વનમાં ભૂમિશધ્યાને તે અનિષ્ટ માનતા નથી કે ભવનમાં પુષ્પશધ્યાને તે ઈષ્ટ માનતા નથી; પરંતુ નિરંતર આત્મામાં જ નિવાસ કરનારા તે આત્મદષ્ટાઓને ગ્રામવાસ હો કે અરણ્યવાસ હો તે પ્રત્યે સદા સમદષ્ટિ જ વર્તે છે.
શત્રુ હો કે મિત્ર હો, વંદક હો કે નિંદક હો, માન હો કે અપમાન હો, જીવિત હો કે મરણ હો, ભવ હો કે મોક્ષ હો,-એ સર્વ પ્રત્યે તે મહાત્માઓ સદા સમભાવી જ હોય છે. આ મારો શત્રુ છે કે આ મારો મિત્ર છે એવી કવચિત ભેદબુદ્ધિ પણ તેમનાં અંતરમાં ઉદ્દભવતી નથી; એટલું જ નહિ પણ અસંખ્યપ્રદેશી એવા આ સર્વ ચેતનલક્ષણ જીવો મારા સમાનધર્મી સાધર્મિક આત્મબંધુઓ છે, એમ માની તે સર્વ પ્રત્યે તેઓ અનન્ય વાત્સલ્ય ધરે છે; અને માત્મવત્ સર્વભૂતેષુ સર્વભૂત પ્રત્યે આત્મવત્ વર્તતા આ સમતામૂર્તિ ભાવે છે કે –“જેવી* દષ્ટિ આ આત્મા પ્રત્યે છે તેવી દષ્ટિ જગતના સર્વ આત્માને વિષે છે. જેવો સ્નેહ આ આત્મા પ્રત્યે છે તેવો સ્નેહ સર્વ આત્મા પ્રત્યે વર્તે છે. જેવી આ આત્માની સહજાનંદ સ્થિતિ ઇચ્છીએ છીએ તેવી જ સર્વ આત્મા પ્રત્યે ઇચ્છીએ છીએ.'
કોઈ વાંસીથી છેદે કે કોઈ ચંદનથી વિલેપન કરે, કોઈ કુવચનથી નિન્દા કરે કે કોઈ સ્તુતિવચનથી વંદન કરે, કોઈ કંઠમાં ફણિધર નાંખે કે * શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૩૮૪.