________________
મહાત્માઓની અનંત સમતા
કોઈ ફૂલની માલા આરોપે, કોઈ ભક્તિથી સન્માન કરે કે કોઈ તિરસ્કારથી અપમાન કરે, તોપણ તે સમતામૂર્તિ સંતો એક પ્રત્યે રીઝતા નથી ને બીજા પ્રત્યે ખીજતા નથી. કોઈ આક્રોશાદિ કરે તો તે ભાવે છે કે આણે મને હણ્યો તો નથી ને? કોઈ હણે તો ભાવે છે કે આણે મારા બે ટૂકડા તો કર્યા નથી ને ? કોઈ મારે તો ભાવે છે કે આ બંધુએ મારો ધર્મ તો હણ્યો નથી ને? ઇત્યાદિ ભાવનાથી ભાવિતાત્મા
આ મહાજનો ઘોર ઉપસર્ગો મધ્યે પણ અપૂર્વ સમતા દાખવે છે. સમતામૂર્તિ ભગવાન પાર્શ્વનાથજીએ ભયંકર ઉપસર્ગો કરનારા કમઠ પ્રત્યે અને ભક્તિથી સ્તુતિ કરનારા ધરણેન્દ્ર પ્રત્યે અદ્ભુત સમવૃત્તિ જ ધારણ કરી. ભગવાન મહાવીરે છ છ મહિના સુધી સંગમ દેવતાના મહા ઉપસર્ગો અનન્ય સમતાભાવે સહન કર્યાં. સ્કંધક આચાર્ય અને તેમના પાંચસો શિષ્યોને દુષ્ટ મંત્રીએ ઘાણીમાં પીલ્યા, પણ તે મહામુનિઓ તો સમતાતરંગિણીમાં જ ઝીલ્યા, અને અનુપમ કેવલજ્ઞાન પામી મોક્ષે ગયા. ચાર મહાહત્યાનું પ્રાયશ્ચિત્ત કરતાં દઢપ્રહારી મુનિ નગરની ચારે ભાગોળે ચાર મહિના કાયોત્સર્ગ ધ્યાને રહ્યા ને લોકોના યષ્ટિ મુષ્ટિ ને લોષ્ટના અસંખ્ય પ્રહારો સમભાવે સહ્યા, ને કર્મક્ષય કરી નિર્વાણ પામ્યા. શ્વસુરે મસ્તક પર અગ્નિની સગડી મૂકાવી તો બાલ મુનિ ગજસુકુમારે ભાવ્યું કે આ સસરાએ તો મને મોક્ષની પાઘડી બંધાવી! શિયાળણનો જન્મ પામેલી માતા અર્ધું શરીર ખાઈ ગઈ, તોપણ આત્મભાવમાં રહેલા અવંતિસુકુમાર સમતાથી ચલાયમાન થયા નહિ.
૧૪૩
આવા અનંત સમતાવંત મહાત્માઓ સુખ આવ્યે જીવિત ઇચ્છતા નથી કે દુ:ખ આવ્યે મરણ વાંચ્છતા નથી. પણ જીવિતમાં કે મરણમાં જેને ન્યૂનાધિકપણું નથી એવા આ સંતોને જીવવાની તૃષ્ણા હોતી નથી, ને મરણયોગે ક્ષોભ ઉપજતો નથી. ‘નહિ તૃષ્ણા જીવ્યા તણી, મરણ યોગ નહિ મોભ.' દેહ છતાં દેહાતીત દશાએ વિચરનારા આ વીતરાગોને મન સંસાર હો કે મોક્ષ હો તે બન્ને સમાન છે. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને વિષે સ્થિત એવા આ જીવન્મુક્ત યોગીશ્વરો મુક્તિની પણ સ્પૃહા કરતા નથી, એવા તે ‘પરમ યોગ જિતલોભ’ હોય છે. આમ સર્વ