________________
સંયોગોનું અનિત્યપણું
૧૩૯ शिक्षापाठ ५४ : संयोगो, अनित्यपणुं
જગતની જાન્હવી વહ્યું જાય છે; અને તેના તટસ્થ દષ્ટાને ક્ષણે ક્ષણે નવનવા દશ્યોનું ચલચિત્ર દષ્ટિગોચર થાય છે. જૂનાં નામો ને જૂનાં રૂપો સમયસરિતાના પ્રવાહમાં ક્યાં તણાઈ ગયા તે ગોત્યા જડતા નથી. નવાં નામો છે. નવાં રૂપો પણ ક્ષણિક ચમકા કરી કાળની અનંતતામાં ક્યાં વિલીન થઈ જાય છે તેનો પત્તો મળતો નથી. કાળની એ ને એ રેતી પર અનંતા પગલાં પડયાં ને ભૂંસાયા. સંધ્યા સમયના અભ્રની પેઠે જ્યાં ક્ષણે ક્ષણે નવનવા રંગો પલટાય છે, એવા આ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભવ ને ભાવથી પરાવર્તન પામતા પરિવર્તનશીલ સંસારમાં સર્વ સંયોગો અનિત્ય છે. એક રૂ૫ છોડીને બીજા ગ્રહણ કરતો આ યંત્રવાહક જીવ, કર્મ-સૂત્રધારના આદેશ પ્રમાણે નિરંતર નવનવા વેષ ધારણ કરી, આ વિશ્વની રંગભૂમિ પર નાટક નાચી રહ્યો
છે.
ક્ષણવારમાં ખતમ થઈ હતો ન હતો થઈ જતો આ સંસારનો સર્વ ખેલ વિવેકીને મન બાલધૂલિગૃહ કીડા જેવો અનિત્ય અને અરમ્ય ભાસે છે. અરે! ચક્રવર્તી આદિ જગતની સર્વોત્કૃષ્ટ પદની પણ એ જ સ્થિતિ છે. જે પ્રચંડ પ્રતાપે કરીને છ ખંડના અધિરાજ બન્યા હતા ને ‘બ્રહ્માંડમાં બળવાન્ થઈને ભૂપ ભારી ઉપજ્યા’ હતા, ‘એ ચતુર ચકી ચાલિયા હોતા ન હોતા હોઈને,' હાથ ખંખેરીને આવ્યા હતા તેવા ખાલી હાથે ચાલી નીકળ્યા છે. મુંજ રાજાએ ભોજને મારી નાંખવા માટે મારા મોકલ્યા હતા, ત્યારે ભોજે માર્મિક સંદેશો પાઠવ્યો હતો કે-માંધાતા વગેરે ઘણા બળવાન મહીપતિઓ થઈ ગયા છે. તેની સાથે આ પૃથ્વી ગઈ નથી, પણ હે મુંજ! હારી સાથે તો જરૂર આવશે! કહેવાય છે કે મૃત્યુશયા પર પડેલા મહાવિજેતા સીકંદરે આદેશ કર્યો હતો કે-મ્હારી ઠાઠડી લઈ જવામાં આવે ત્યારે હારી મુઠી ખુલ્લી રાખજે ને જગતને જાહેર કરજે કે આ સીકંદર ખાલી હાથે આવ્યો હતો અને ખાલી હાથે જાય છે. “એક ધર્મ જ એવો સુહદ-મિત્ર છે કે જે મૂઆની પાછળ પણ જાય છે. બાકી બીજું બધુંય તો આ શરીરની સાથે જ ખાખ થાય છે.”